આજે સવારે બેંગલુરુ દક્ષિણ તાલુકાના મડાપટ્ટના વિસ્તારમાં પથ્થરની ખાણમાં એક મોટો પથ્થર ધસી પડ્યો. કાટમાળ નીચે દટાઈ જવાથી બિહારના નવ મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે ઘણા અન્ય ઘાયલ થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત વહેલી સવારે થયો હતો જ્યારે મજૂરો પથ્થર તોડવા અને ખોદકામ કરી રહ્યા હતા.
સ્થળ પર હાજર એક મજૂરે જણાવ્યું હતું કે લગભગ 18 લોકો ત્યાં કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક આશરે 40 ફૂટની ઊંચાઈથી એક મોટો પથ્થર તેમના પર પડ્યો. અહેવાલો દર્શાવે છે કે બધા મૃતકો સ્ટોન ક્રશર સાઇટ પર કામ કરતા દૈનિક મજૂર હતા. અકસ્માતના સમાચાર મળતાં, પોલીસ અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કાટમાળ સાફ કરવાનું શરૂૂ કર્યું હતું. ઘાયલ મજૂરોને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
