હે રામ…. અયોધ્યામાં 125 કર્મચારીની ભરતીમાં પણ કટકી

દાનચોરી કેસના આરોપી અવિનાશ શુકલની પૂછપરછમાં નવો ધડાકો અયોધ્યા રામ મંદિર સાથે જોડાયેલા ચઢાવા ચોરીના કેસની તપાસ દરમિયાન મંદિરમાં નોકરી આપવાના બદલામાં લાંચ લેવાના ગંભીર…

દાનચોરી કેસના આરોપી અવિનાશ શુકલની પૂછપરછમાં નવો ધડાકો

અયોધ્યા રામ મંદિર સાથે જોડાયેલા ચઢાવા ચોરીના કેસની તપાસ દરમિયાન મંદિરમાં નોકરી આપવાના બદલામાં લાંચ લેવાના ગંભીર આરોપ સામે આવ્યા છે. અયોધ્યા પોલીસે આ મામલે તપાસ શરૂૂ કરી દીધી છે. સૂત્રો અનુસાર, મંદિર સંસ્થામાં વિવિધ હોદ્દા પર લગભગ 125 કર્મચારીઓની ભરતી કરવામાં આવી હતી અને આમાંથી ઘણા ઉમેદવારોએ નોકરી મેળવવા માટે પૈસા આપ્યા હોવાના આરોપ છે.

આ ખુલાસો ચઢાવા ચોરીના કેસમાં ધરપકડ કરાયેલા આરોપી અવિનાશ શુક્લાની પૂછપરછ દરમિયાન થયો છે. પૂછપરછમાં એક ટ્રસ્ટ સભ્યનું નામ વારંવાર આવતાં તેમની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ હાલમાં નિયુક્તિ પત્રો, સેવા રેકોર્ડ, બેંક ખાતાઓ અને નાણાકીય લેવડદેવડની વિગતો ચકાસી રહી છે. પ્રારંભિક તપાસમાં ઘણા કર્મચારીઓને લગતા ઔપચારિક દસ્તાવેજો તરત જ ઉપલબ્ધ ન થતાં આ મામલો વધુ ગંભીર બન્યો છે.

પોલીસે આરોપી અનુકલ્પ મિશ્રા અને લવકુશ મિશ્રાને પણ આ તપાસમાં સામેલ કર્યા છે.
બંને હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે. તપાસ એજન્સીઓ દરેક નિયુક્તિની અલગથી તપાસ કરી રહી છે અને શંકાસ્પદ નાણાકીય લેવડદેવડ પર નજર રાખી છે. ટ્રસ્ટ સભ્ય સાથે જોડાયેલી મિલકતોની પણ તપાસ ચાલુ છે.

રાવણો સાથે બુલડોઝર ન્યાય

રામ મંદિરમાંથી પ્રસાદની ચોરીના સંબંધમાં ધરપકડ કરાયેલા લવકુશ મિશ્રાની મુશ્કેલી વધી રહી છે. રામ મંદિરમાં કામ કરતા આરોપીના બાંધકામ હેઠળના ઘર સામે ટૂંક સમયમાં કાર્યવાહી થઈ શકે છે. અયોધ્યા વિકાસ સત્તામંડળએ સોહાવલ તહસીલ વિસ્તારમાં બનેલા ઘર અંગે તેની પત્નીને નોટિસ મોકલી છે. નોટિસમાં નિર્ધારિત બાંધકામ ધોરણોનું ઉલ્લંઘન ટાંકવામાં આવ્યું છે. જો નોટીસનો સંતોષકારક જવાબ નહીં મળે તો બાંધકામ તોડી પાડવા બુલડોઝરનો ઉપયોગ થવાની સંભાવના છે.