સુરેન્દ્રનગરમાં 84 ગેરકાયદેસર વીજજોડાણો કપાયા, રૂા.1.25 કરોડનો દંડ ફટકારાયો

સુરેન્દ્રનગર શહેરમાં ગેરકાયદેસર વીજ કનેક્શન અને ગુનેગારોને પકડવા માટે એક મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવ દરમિયાન 84 ગેરકાયદેસર વીજ જોડાણો કાપી નાખવામાં…

સુરેન્દ્રનગર શહેરમાં ગેરકાયદેસર વીજ કનેક્શન અને ગુનેગારોને પકડવા માટે એક મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવ દરમિયાન 84 ગેરકાયદેસર વીજ જોડાણો કાપી નાખવામાં આવ્યા હતા અને કુલ રૂૂ. 1.25 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો. પોલીસે 7 વોન્ટેડ અને 1 વોરંટવાળા આરોપી સહિત કુલ 8 આરોપીઓને પણ ઝડપી પાડ્યા હતા.

આ ડ્રાઈવમાં એ.એસ.પી. કરણ પન્ના, પ્રો. ડી.વાય.એસ.પી. પુરુષાર્થ પટેલ, એલ.સી.બી. પી.આઈ. જે.જે. જાડેજા, બી ડિવિઝન પી.આઈ. એચ.એચ. જાડેજા, પી.આઈ. એમ.એચ. વાઢેર સહિત સુરેન્દ્રનગર ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશનના આશરે 100 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. પોલીસ ટીમો સાથે પી.જી.વી.સી.એલ. કચેરી, સુરેન્દ્રનગરના અધિકારીઓ પણ તેમની 54 ટીમો સાથે જોડાયા હતા. આ મેગા ડ્રાઈવ સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના કૃષ્ણનગર, મિયાણાવાડ, પોપટપરા અને લક્ષ્મીપરા જેવા વિસ્તારોમાં હાથ ધરવામાં આવી હતી. ટીમો દ્વારા એમ.સી.આર., હિસ્ટ્રીશીટર, મિલકત સંબંધિત, શરીર સંબંધિત, પ્રોહિબિશન અને જુગારના આરોપીઓ તેમજ વોન્ટેડ આરોપીઓના રહેણાંક મકાનોની તપાસ કરવામાં આવી હતી. પી.જી.વી.સી.એલ.ની ટીમે આ ગેરકાયદેસર કનેક્શનો કાપી નાખીને ₹1.25 કરોડનો દંડ વસૂલ્યો હતો. આ ઉપરાંત, બ્લેક કાચવાળા અને વાહન રજિસ્ટ્રેશનના કાગળો વગરના વાહનોને પણ ડિટેઈન કરવામાં આવ્યા હતા. ઝડપાયેલા 8 આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

સલાયામાં 25 ગેરકાયદેસર વીજજોડાણ ઝડપાયા,9 લાખનો દંડ ફટકાર્યો
સલાયામાં મરીન પોલીસ અને પીજીવીસીએલ ખંભાળિયા દ્વારા આજરોજ વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. એસપી જયરાજસિંહ વાળાની સૂચના મુજબ પોલીસ બંદોબસ્ત સાથે આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ ચેકિંગ દરમિયાન 25 ગેરકાયદેસર વીજજોડાણ ઝડપી પાડવામાં આવ્યા હતા. વીજચોરી કરનારાઓને કુલ 9 લાખ રૂૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ કાર્યવાહીને કારણે સલાયા વિસ્તારમાં વીજચોરી કરનારાઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. કેટલાક લોકો પોતાના ઘરને તાળા લગાવીને નાસી છૂટ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. પીજીવીસીએલ અને પોલીસ દ્વારા ભવિષ્યમાં પણ આવા સામૂહિક ચેકિંગ ચાલુ રાખવામાં આવશે.