ગુજરાત

ગણપતિ વિસર્જન કરતાં એક જ પરિવારનાં 7 ડૂબ્યા, 4નાં મોત

Published

on

પાટણની સરસ્વતી નદીમાં બનેલી કરૂણ ઘટના, બે બાળકો તણાતા બચાવવા અન્ય પાંચ કુદ્યા

પાટણ શહેરના સરસ્વતી નદીમાં ગઈકાલે મોડી સાંજે ગણેશ વિસર્જન માટે ગયેલા પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા પ્રજાપતિ પરિવારના ચાર સભ્યો અને અન્ય પરિવારના ત્રણ સભ્યો સહિત કુલ 7 લોકો પાણીમાં ગરક થયા હોવાની ઘટના સર્જાઈ છે. સરસ્વતી નદીમાં ડૂબેલા 7 પૈકી ચાર લોકોના મોત થયા છે. જ્યારે તરવૈયાઓએ ત્રણને બચાવી લીધા હતા. નદીમાં ડૂબતાં બાળકને બચાવવા અન્ય છ લોકો કૂદ્યા હતા. જે તમામ પણ ડૂબ્યા હતા. આ ઘટનામાં 4 લોકોના મોત થયાં છે. એક જ પરિવારના માતા, બે પુત્રો અને મામાએ જીવ ગુમાવ્યો છે.


આ કરૂણ ઘટનાની મળતી વિગતો મુજબ પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા નીતિશભાઈ પ્રજાપતિના પત્ની પોતાના બે બાળકો અને પોતાના ભાઈ સાથે સરસ્વતી ડેમ પર ગણેશ વિસર્જન માટે આવ્યા હતા. આ દરમિયાન પાણીનો પ્રવાહ વધુ હોવાના કારણે તેઓ વહેણમાં તણાયા હતા. તેઓની સાથે સાથે બે પંડીત યુવાનો અને અન્ય એક શખ્સ પણ તણાતા ડેમ ઉપર હાજર અન્ય લોકોએ બુમા બુમ કરી મુકી અને સાતે સાત લોકોને બચાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. બનાવની જાણ તંત્રને થતા તંત્ર પણ ઘટના સ્થળે દોડી આવ્યું હતું, તરવૈયાની મદદથી તાત્કાલીક ત્રણ લોકોને નદીમાંથી તણાતા બચાવી લેવામાં આવ્યા હતા.


જ્યારે અન્ય લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન પ્રજાપતિ પરિવારના જીમિત નીતિનભાઈ તેમજ પ્રજાપતિ પરિવારના શીતલબેન નીતિશભાઈ તેમનો પુત્ર દક્ષ નીતિશ ભાઈ અને શીતલબેનના ભાઈ નયન રમેશભાઈની લાશ મળી આવી છે. જ્યારે મેહુલભાઈ પ્રેમચંદભાઈ પંડિત અને બંટીભાઈ ભગવાનભાઈ પંડિત સહિત અન્ય એક શખ્સને બચાવી લેવામાં આવ્યાં છે. મૃતક નયનભાઈના પત્નીને બે દિવસ પછી શ્રીમંત હોવાનું જાણવા મળ્યું છે.


પાટણના ધારાસભ્ય કિરિટ પટેલે જણાવ્યું હતું કે, સાત લોકો ડૂબી ગયા હતા એમાં ત્રણને બચાવી લેવાયા છે. જ્યારે ડૂબી જતાં ચારના મોત થયા છે, એમાં એક જ પરિવારના બે સગા ભાઇ, એમની મમ્મી અને મામાનો સમાવેશ થાય છે. ત્રણ લાશ હાલ મળી છે. જ્યારે એક લાશ પહેલાં બહાર કાઢવામાં આવી હતી.

મૃતકના નામ
શિતલબેન નિતિનભાઇ પ્રજાપતિ (માતા)
જિનિત નિતિનભાઇ પ્રજાપતિ (પુત્ર)
દક્ષ નિતિનભાઇ પ્રજાપતિ (પુત્ર)
નયન રમેશભાઇ પ્રજાપતિ (મામા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version