Site icon Gujarat Mirror

સોની વેપારી સાથે CNC મશીનની ખરીદીમાં 67.26 લાખની છેતરપિંડી

સાવરિયા કોર્પોરેશનના સંચાલકો પૈસા મળી ગયા બાદ મશીન આપવાના બદલે પેઢીને તાળા મારી ફરાર

શહેરના સોની બજારમાં ઓફિસ ધરાવતાં સોની વેપારી સાથે સીએનસી મશીનની ખરીદીમાં રૂા.67.26 લાખની છેતરપીંડી થયાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. સોની વેપારીએ સીએનસી મશીન ખરીદવા માટે 150 ફુટ રીંગ રોડ પર આવેલી સાવરીયા કોર્પોરેશન નામની પેઢીને રૂપિયા 67.26 લાખ ટ્રાન્સફર કર્યા બાદ પેઢીના સંચાલકો મશીન આપવાના બદલે પેઢીને તાળા મારી રફુચક્કર થઈ ગયા હતાં. જેથી વેપારી સાથે છેતરપીંડી થતાં તેેણે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

જાણવા મળતી વિગત મુજબ, ગોંડલ રોડ પર રહેતા અને સોની બજારમાં ‘જય ભવાની ડાઇસ મેક’ નામની પેઢી ધરાવતા કૃણાલભાઈ ભરતભાઈ પાલાએ આર્થિક ગુન્હા નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીના જણાવ્યા મુજબ, તેમને પોતાના વ્યવસાય માટે સીએનસી મશીનની જરૂૂર હતી, જેનો ફાયદો ઉઠાવી સાવરીયા કોર્પોરેશન નામની પેઢીના સંચાલકોએ મશીન આપવાના બહાને લાખો રૂૂપિયા પડાવી લીધા હતા અને મશીન આપ્યા વગર જ દુકાનને તાળા મારી ફરાર થઈ ગયા હતા.

આ ગુનામાં પોલીસે રાહુલભાઈ લક્ષમણભાઈ સાગઠીયા (પ્રોપરાઈટર), જયદીપભાઈ ગીરીશભાઈ નનેરા અને આશિષભાઈ પટેલ નામના શખ્સો સામે છેતરપીંડીનો ગુનો દાખલ કર્યો છે. ફરિયાદીના મિત્ર નૈમિસભાઈ મારફતે આ શખ્સોનો સંપર્ક થયો હતો. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર શિલ્પ કોમ્પ્લેક્ષમાં આવેલી તેમની ઓફિસે જ્યારે ફરિયાદીના પિતા અને ભાઈ મુલાકાતે ગયા, ત્યારે આરોપીઓએ વિશ્વાસમાં લઈને મશીનના કેટલોગ અને ફોટા બતાવી ₹67.26 લાખનું કોટેશન આપ્યું હતું. મશીન ખરીદવા માટે ફરિયાદીએ ટુકડે-ટુકડે મોટી રકમ ચૂકવી હતી. પ્રથમ તબક્કે, જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2026 દરમિયાન પોતાના બેંક ખાતામાંથી રૂા.17,36,000/-RTGS દ્વારા સાવરીયા કોર્પોરેશનના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા.

ત્યારબાદ, બાકીની રકમ માટે SBI બેંકમાંથી રૂા.49,90,000/- ની લોન મંજૂર કરાવી હતી, જે રકમ પણ સીધી આરોપીઓની પેઢીના ખાતામાં જમા થઈ ગઈ હતી. આમ, કુલ રૂા.67,26,000/- મેળવી લીધા બાદ મશીનની ડિલિવરી લેવાનો સમય આવ્યો ત્યારે આરોપીઓએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. પૈસા ચૂકવી દીધા બાદ જ્યારે મશીન ન મળ્યું, ત્યારે ફરિયાદીના પરિવારજનોએ સાવરીયા કોર્પોરેશનની ઓફિસે રૂૂબરૂૂ તપાસ કરી હતી. જોકે, ત્યાં ઓફિસને તાળા મારેલા જોવા મળ્યા હતા અને આરોપીઓનો કોઈ સંપર્ક થઈ શક્યો નહોતો. વારંવારની તપાસ બાદ પણ કોઈ પ્રતિસાદ ન મળતા ફરિયાદીને તેમની સાથે છેતરપીંડી થયાનું માલુમ પડતાં તેણે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે સાવરીયા કોર્પોરેશનના પ્રોપરાઈટર સહિત ત્રણ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version