રાજકોટની 44.5% મહિલાઓ મેદસ્વિતાનો શિકાર

તાજેતરમાં જાહેર થયેલા નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-6 (NFHS-6), 2023-24 ના આંકડાઓ ગુજરાતની મહિલાઓના સ્વાસ્થ્ય અંગે એક ચિંતાજનક ચિત્ર રજૂ કરે છે. રાજ્યની મહિલાઓમાં મેદસ્વીપણું એટલે…

તાજેતરમાં જાહેર થયેલા નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-6 (NFHS-6), 2023-24 ના આંકડાઓ ગુજરાતની મહિલાઓના સ્વાસ્થ્ય અંગે એક ચિંતાજનક ચિત્ર રજૂ કરે છે. રાજ્યની મહિલાઓમાં મેદસ્વીપણું એટલે કે વજન વધવાની સમસ્યા પહેલા કરતા વધુ ઝડપથી વધી રહી છે. ખાસ કરીને ગુજરાતના ચાર મોટા શહેરો – અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં અગાઉના સર્વે (NFHS-5, 2019-21) ની સરખામણીમાં મેદસ્વી અથવા વધારે વજન ધરાવતી મહિલાઓની સંખ્યામાં ખૂબ જ મોટો ઉછાળો જોવા મળ્યો છે. આરોગ્ય નિષ્ણાતો આ ગંભીર સમસ્યા માટે આધુનિક જીવનશૈલી, બિનઆરોગ્યપ્રદ આહાર અને બેઠાડું જીવનને જવાબદાર માની રહ્યા છે.

આ બંને સર્વેની તુલના દર્શાવે છે કે સુરતમાં મેદસ્વી મહિલાઓની ટકાવારીમાં સૌથી વધુ 68.12% નો તોતિંગ વધારો નોંધાયો છે. આ ઉપરાંત, રાજકોટમાં 58.92%, અમદાવાદમાં 58.13% અને વડોદરામાં 28.67% નો વધારો જોવા મળ્યો છે. આ વલણ સમગ્ર રાજ્યના સરેરાશ આંકડાઓ કરતા પણ વધુ આશ્ચર્યજનક છે. સમગ્ર ગુજરાતમાં મેદસ્વી મહિલાઓનું પ્રમાણ NFHS-5ના 22.7% થી વધીને NFHS-6માં 31.1% થઈ ગયું છે, જે 41.4% નો સીધો વધારો સૂચવે છે.વડોદરા સિવાયના અન્ય ત્રણ મુખ્ય જિલ્લાઓમાં આ વધારો રાજ્યની સરેરાશ કરતા પણ વધુ નોંધાયો છે. નોંધનીય છે કે આ સર્વેક્ષણમાં 25.0 સલ/ળઑ કે તેથી વધુ બોડી માસ ઇન્ડેક્સ (BMI) ધરાવતી મહિલાઓને ’ઓવરવેઈટ’ અથવા ’ઓબીસ’ (મેદસ્વી) ગણવામાં આવી છે.

આ વધતા આંકડાઓ પાછળનું મુખ્ય કારણ સમજાવતા, સુરતના જાણીતા એન્ડોક્રિનોલોજિસ્ટ પ્રદીપ દલવાડીએ જણાવ્યું હતું કે બદલાતી જીવનશૈલી આ માટે સૌથી વધુ જવાબદાર છે. તેમના મતે, મહિલાઓ યોગ્ય આહાર નથી લેતી અને આધુનિક ખાણીપીણીની આદતો ઝડપથી અપનાવી રહી છે. આ સાથે જ, નિયમિત વ્યાયામ ન કરવો અને શારીરિક શ્રમનો અભાવ મહિલાઓને મેદસ્વીપણા તરફ ધકેલી રહ્યો છે.