40 વટાવી ગયેલા યુવાનો વાંઢાઓના લિસ્ટમાંથી નામ કાઢી દેશ સેવામાં જોડાઇ જાય: મથુર સવાણી

સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ સંચાલિત સમાધાન પંચની જાહેરાત સંદર્ભે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પદ્મશ્રી મથુરભાઇ સવાણીએ પાટીદાર સમાજમાં ક્ધયાઓની ઘટ અને અપરિણીત યુવાનોની સમસ્યા અંગે એક…

સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ સંચાલિત સમાધાન પંચની જાહેરાત સંદર્ભે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પદ્મશ્રી મથુરભાઇ સવાણીએ પાટીદાર સમાજમાં ક્ધયાઓની ઘટ અને અપરિણીત યુવાનોની સમસ્યા અંગે એક નિવેદન આપ્યું હતું. પાટીદાર સમાજમાં દીકરાઓની સરખામણીએ દીકરીઓની ઘટનું કારણ જણાવવાની સાથે કહ્યું કે, 40ની ઉંમર વટાવી ગયેલા યુવાનો પોતાનું નામ વાંઢાઓના લિસ્ટમાંથી કાઢી અટલ બિહારી વાજપેયી, રાહુલ ગાંધી અને શક્તિસિંહ ગોહિલની જેમ દેશ સેવામાં જોડાઈ જાય. હવે બીજો કોઈ રસ્તો નથી.

મથુરભાઇ સવાણીએ જણાવ્યું હતું કે, 1970ના દાયકામાં શરૂૂ થયેલા કુટુંબ નિયોજન કાર્યક્રમ બાદ સમાજમાં જાતિગત અસંતુલનની શરૂૂઆત થઈ હતી. દીકરાની ઘેલછામાં પરિવારોએ દીકરીઓ જન્મ્યા બાદ પણ સંતાન પ્રાપ્તિના પ્રયાસો ચાલુ રાખ્યા, જ્યારે દીકરાના જન્મ પછી ઓપરેશન કરાવી લીધા. આ પ્રકારની માનસિકતા અને ત્યારપછી સોનોગ્રાફી તેમજ ભ્રૂણહત્યાના કારણે રાજ્યમાં ભારે અસમતુલા ઊભી થઈ હતી. તેમણે આંકડા ટાંકતા ઉમેર્યું કે, જ્યારે આ અંગે જાગૃતિ અભિયાન શરૂૂ કરાયું ત્યારે છોકરાઓની સરખામણીએ ગુજરાતમાં આશરે 14 લાખ દીકરીઓ ઓછી જન્મી હતી.

2003થી સમાજમાં વ્યાપક લોકજાગૃતિ લાવવાના સતત પ્રયાસો કરવામાં આવ્યા, જેના પરિણામે જેના નસીબમાં જીવનસાથી હતા તેમને મળ્યા. પરંતુ વાસ્તવિકતા એ છે કે આ કોઈ ફેક્ટરીમાં બનતો માલ નથી કે તાત્કાલિક ઘટ પૂરી કરી શકાય. તેથી હવે જે યુવાનોની ઉંમર 40 વર્ષથી વધુ થઈ ગઈ છે, તેમને વાસ્તવિકતા સ્વીકારવાની જરૂૂર છે.

તેમણે 40 પ્લસ ઉંમરના અપરિણીત યુવાનોને અનુરોધ કરતાં કહ્યું કે, હવે તમારે પોતાનું નામ ’વાંઢા’ના લિસ્ટમાં રાખવાની જરૂૂર નથી. આપણા દેશમાં એવા અનેક મહાન રાજનેતાઓ થયા છે, જેમણે આજીવન લગ્ન નથી કર્યા અને પોતાનું સમગ્ર જીવન દેશ અને સમાજ માટે અર્પણ કરી દીધું. તમે પણ અટલ બિહારી વાજપેયી, રાહુલ ગાંધી કે શક્તિસિંહ ગોહિલ જેવા નેતાઓનું ઉદાહરણ લઈ પોતાની જાતને દેશસેવા માટે સમર્પિત કરો. અંતમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, હવે સમાજે આવા વ્યક્તિઓને માનસિક રીતે મજબૂત કરવાના અને તેમને સકારાત્મક દિશા આપવાના કાર્યક્રમો યોજવા જોઈએ.