દુનિયા હાલમાં અત્યંત શક્તિશાળી અલ નીનોનો સામનો કરી રહી છે. પ્રશાંત મહાસાગરના મધ્ય અને પૂર્વી ભાગમાં સમુદ્રનું તાપમાન સામાન્ય કરતાં 3.4 ઓઈ વધારે પહોંચી ગયું છે. 1950 પછીનો આ સૌથી શક્તિશાળી અલ નીનો હોવાનું કહેવાય છે. હવામાન નિષ્ણાતો તેને ‘સુપર-ડુપર અલ નીનો’ કહી રહ્યા છે.
આ કારણે દુનિયાના અનેક વિસ્તારોમાં વધુ ગરમી, દુષ્કાળ અથવા ભારે વરસાદ પડી શકે છે. શિકાગો યુનિવર્સિટીની ક્લાઇમેટ ઇમ્પેક્ટ લેબના સંશોધકોના જણાવ્યા મુજબ, આ અલ નીનોને કારણે જૂન 2026થી ફેબ્રુઆરી 2027 દરમિયાન વિશ્વભરમાં આશરે 4.51 લાખ વધારાના મોત થઈ શકે છે. વધુ ગરમીને કારણે હીટ સ્ટ્રોક અને અન્ય બીમારીઓનું જોખમ વધી શકે છે. બીજી તરફ, વરસાદની પેટર્ન ખોરવાઈ જવાથી ક્યાંક પાણીની અછત તો ક્યાંક પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
હવામાન વૈજ્ઞાનિક રાયન માઉએ સમગ્ર વિશ્વનો એક હવામાન નકશો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેમાં ધરતીનો મોટો હિસ્સો લાલ રંગમાં દેખાઈ રહ્યો છે, જે સામાન્ય કરતાં વધુ ગરમ પરિસ્થિતિ દર્શાવે છે. માઉના મતે, અલ નીનો શિયાળામાં પણ ‘મહત્તમ તાકાત’ સાથે યથાવત રહી શકે છે. તેમણે ફેબ્રુઆરી 2027 સુધી તેના ચાલુ રહેવાના ઠખઘના અનુમાન સાથે પણ સહમતી વ્યક્ત કરી છે.
સંયુક્ત રાષ્ટ્રની હવામાન એજન્સી વિશ્વ હવામાન સંગઠન (WMO)ના મતે, 2026ના અંતિમ મહિનાઓમાં વિશ્વના મોટા ભાગમાં સમુદ્રની સપાટીનું તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની ખૂબ જ ઊંચી શક્યતા છે. હવામાન વૈજ્ઞાનિક જીક હાઉસફાધરે કહ્યું કે આ વર્ષનો અલ નીનો એવા સ્તર તરફ આગળ વધી રહ્યો છે, જે અગાઉ ક્યારેય નોંધાયું નથી. બીજી તરફ, હવામાન નિષ્ણાત લિયોન સિમોન્સે તેને ‘સુપર-ડુપર અલ નીનો’ ગણાવ્યો છે.
