Site icon Gujarat Mirror

જૂનાગઢમાં શેર બજારમાં રોકાણના બહાને 43 લાખની ઠગાઈ, વડોદરાની ટોળકી સામે ફરિયાદ

શેરબજારમાં રોકાણ કરી ઊંચું વળતર મેળવવાની લાલચ આપી શહેરના એક યુવક સાથે 43ની છેતરપિંડી કરી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. નાગર રોડ, હેઠાણ ફળિયામાં આવેલ ગોકુલ એપાર્ટમેન્ટમાં રહેતા 36 વર્ષીય ભાવિકભાઈ સુધીરભાઈ માંકડે નોંધાવેલી ફરિયાદ મુજબ વર્ષ 2022માં તેની મુલાકાત કાળવા ચોક ખાતેના ગેસ્ટ હાઉસમાં વડોદરા જિલ્લાના કરજણ ગામના જીતેશ પ્રવીણભાઈ પ્રજાપતિ સાથે થઈ હતી.

જીતેશે પોતે સ્ટોક ટ્રેડિંગ કંપની ચલાવતો હોવાનું કહી ભાવિકભાઈને શેરબજારમાં રોકાણ કરી સારૂૂ વળતર મેળવવા લલચાવ્યા હતા. તેની વાતોમાં આવીને યુવકે જીતેશ, તેના પિતા પ્રવીણભાઈ અને માતા જયાબેન પ્રજાપતિના બેંક ખાતામાં અલગ-અલગ સમયે અંદાજે રૂૂપિયા 51 લાખ જેટલી રકમ ટ્રાન્સફર કરી હતી.
લાંબો સમય વીતવા છતાં ન તો વળતર મળ્યું કે ન તો મુદ્દલ રકમ પરત મળી. વારંવારની ઉઘરાણી બાદ શક્સોએ માત્ર રૂૂપિયા 8 લાખ પરત કર્યા હતા, જ્યારે બાકીના રૂૂપિયા 43 લાખ ચૂકવવામાં ઠાગાઠૈયા કરતા હતા.

ગત 9 માર્ચ, 2025ના રોજ જ્યારે ભાવિકે ફોન પર પોતાના નાણાંની માંગણી કરી, ત્યારે નાણાં આપવાનો ઇનકાર કરી દીધો હતો. એટલું જ નહીં, જાનથી મારી નાખવાની તેમજ સ્યુસાઈડ કરી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. આખરે ભાવિક માંકડે સોમવારે ફરિયાદ કરતા એ ડિવિઝન પોલીસે જીતેશ પ્રજાપતિ, પ્રવીણભાઈ પ્રજાપતિ અને જયાબેન પ્રજાપતિ વિરુદ્ધ કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી હતી.

Exit mobile version