Site icon Gujarat Mirror

સામાજિક બહિષ્કાર અને પ્રેમલગ્ન પર પ્રતિબંધ: ગુજરાતમાં ઘડિયાલના કાંટા પાછા ફેરવવાના પ્રયાસો

રાજયના અખબારોમાં આજકાલ ગાયીકા કિંજલ દવેના પરિવારને નાત બહાર મુકવા તેમના સમાજનો નિર્ણય ચર્ચામાં છે. આ મામલે કિંજલ દવેએ જાહેરમાં જવાબ આપ્યો છે. તેના સમર્થનમાં ગુજરાતના કેટલાક જાણીતા લેખકો વિચારકો આવ્યા છે. મુળ પ્રશ્ન એ છે કે જ્ઞાતિઓના આગેવાનોને આવી સતા કોણે આપી અને સામાજિક બહિષ્કારનો મતલબ શું છે? ભુતકાળમાં નરસિંહ મહેતાથી લઇ અનેક સામાજિક અગ્રણીઓને નાત બહાર મુકાયા હતા. એ સમય જુદો હતો છતાં કોઇના સામાજિક બહિષ્કારની હાકલને સમર્થન મળી જતું નથી અલબત, તે સમયે જ્ઞાતિ- સમાજ સામે બોલવું અઘરૂં હતું.

આજે સ્થિતિ જુદી છે. કિંજલ દવે જાણીતી શખસિયત છે એટલે એના સમર્થનમાં લોકો ઉભા રહે છે પણ સામાન્ય વ્યક્તિના ટેકામાં આવા આગેવાનોએ કદાચ અવાજ ઉઠાવ્યો હોત કે કેમ તે એક સવાલ છે. ગુજરાતમાં થોડા સમયથી ઘડીયાલના કાંટા પાછા મુકવા પ્રયાસો થઇ રહ્યા છે. પાટીદાર, ઠાકોર જેવા જ્ઞાતિસમુહોએ પ્રેમલગ્ન સામે અવાજ ઉઠાવ્યા છે. અહેવાલો મુજબ ગુજરાત સરકાર પ્રેમલગ્નો માટે માબાપની સંમતિ જરૂરી બનાવવા કાયદો લાવવા વિચારી રહી છે. જો આવુ થાય તો એ ચિંતાની બાબત છે. જ્ઞાતિ દ્વારા બહિષ્કાર એક સંગઠીત દુષણ છે. જેમ કે વ્યક્તિ કે પરિવાર ઇચ્છે તેની સાથે લગ્ન કરી શકે છે અને સામાજિક વ્યવહારો નિભાવી શકે છે.

પ્રેમલગ્નની બાબતમાં પણ એવું છે. બન્ને મુદ્દાનો હાર્દ વ્યકિતગત સ્વતંત્રતાની છે. સામાજિક બહિષ્કારના મામલે આગેવાનો જે રીતે વ્યક્તિની પસંદગીની વાત કરી રહ્યા છે તેઓ પ્રેમલગ્ન ડામવાના કાયદાકીય પ્રશ્ને બોલતા નથી કે સુચક છે. આવું ગુજરાતમાં જ થઇ રહ્યું છે એવું માનવાની જરૂર નથી. કર્ણાટક કેબીનેટે પણ તાજેતરમાં કર્ણાટક પ્રોટેક્શન ઓફ પીપલ ફ્રોમ સોશિયલ બહિષ્કાર (નિવારણ, નિષેધ અને નિવારણ) બિલ, 2025 ને મંજૂરી આપી, જે જાતિ અથવા સમુદાય પંચાયતો દ્વારા અથવા તેમના સભ્યો દ્વારા વિવિધ સ્તરે સામાજિક બહિષ્કાર, સામાજિક ભેદભાવ અને સામાજિક અપંગતા લાદવાની દુષ્ટ પ્રથાઓને રોકવા માટે છે.

તેમાં કહેવામાં આવ્યું છે કે વ્યક્તિ અથવા વ્યક્તિઓના જૂથનો સામાજિક બહિષ્કાર બંધારણમાં સમાવિષ્ટ મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. તેમાં કહેવામાં આવ્યું છે કે જાતિ અથવા સમુદાય પંચાયતો જેવી ન્યાયિક સંસ્થાઓ દ્વારા બહિષ્કાર અને વિવિધ સજાઓ લાદવાની પ્રથા હજુ પણ રાજ્યના વિવિધ સમુદાયોમાં પ્રચલિત છે, જેના પરિણામે વ્યક્તિઓ અથવા જૂથોને ગૌરવ સાથે જીવન જીવવામાં ભારે ઉત્પીડન થાય છે. આનાથી સમુદાયના સામાજિક જીવન પર પ્રતિકૂળ અસર પડે છે, અને સમાજમાં ખરાબ લાગણીઓ અને વિસંગતતા ઉભી થાય છે. આ બિલમાં સમાજમાંથી આ દુષ્ટતાઓ અને ગેરબંધારણીય પ્રથાઓ દૂર કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો અને સામાજિક બહિષ્કાર પ્રતિબંધ અધિકારીની નિમણૂક કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. આવો કાયદો ગુજરાતમાં પણ લાવવો જોઇએ. પણ પ્રેમલગ્નમાં પણ વાત વ્યક્તિગત સ્વતંત્રતાની છે તો એના પર તરાપ મુકવા કોઇઉપણ કાયદાનો વિરોધ થવો જોઇએ.

Exit mobile version