ગુજરાત

અપ્રમાણસર મિલકતના કેસમાં સાગઠિયાના પરિવાર અને ઠેબાની જામીન અરજીની 29મીએ સુનાવણી

Published

on

ત્રણ આગોતરા અને ડે.ફાયર ઓફિસરની રેગ્યુલર જામીન અરજી રદ, પોલીસે રજૂ કર્યુ સોગંદનામું


રાજકોટ સહિત દેશભરમાં ચકચાર જગાવનારા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના આરોપી ટીપીઓ મનસુખ સાગઠીયા સામે અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સાગઠીયા પાસેથી મળેલી અપ્રમાણસર મિલકતના કેસમાં એસીબીનો ગાળીયો કસાય તે પૂર્વે જ સાગઠિયાના પરિવારના ત્રણ સભ્યોએ અદાલતમાં આગોતરા જામીન અરજી જ્યારે ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખાભાઈ ઠેબાએ રેગ્યુલર જામીન અરજી કરી હતી જે બંને જામીન અરજીમાં મુદત પડતા બંને જામીન અરજીઓની આગામી 29 મી ઓગષ્ટના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.


આ કેસની હકીકત મુજબ રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં આગ ભભૂકી ઉઠતા 27 લોકો જીવતા ભુંજાયા હતા. જે અગ્નિ કાંડના રાજકોટ સહિત દેશભરમાં ઘેરા પડઘા પડ્યા હતા. જે અગ્નિકાંડમાં બેદરકાર પોલીસ અધિકારીઓ સહિતનાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જ્યારે મહાનગરપાલિકાના ટીપીઓ મનસુખ સાગઠીયા સહિત 16 વ્યક્તિની સંડોવણી ખુલતા ગુનો દાખલ કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં ટીપીઓ મનસુખ સાગઠીયા અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખાભાઈ ઠેબા પાસેથી અપ્રમાણસર મિલકત મળી આવતા બંને અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ટીપીઓ મનસુખ સાગઠીયા વિરુદ્ધ નોંધાયેલા અપ્રમાણસર મિલકતના ગુનામાં પરિવારને નિવેદન માટે બોલાવવામાં આવ્યા હતા ત્યારે એસીબી ફરિયાદ દાખલ કરી ધરપકડ કરશે તેવી દહેશતે ટીપીઓ મનસુખ સાગઠીયાના પુત્ર કેયુર, પત્ની ભાવનાબેન અને ભાઈ દિલીપભાઈએ સેશન્સ કોર્ટમાં પોતાના એડવોકેટ મરફતે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી.


ત્યારબાદ અપ્રમાણસર મિલકતના ગુનામાં જેલ હવાલે રહેલા ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખાભાઈ ઠેબાએ પણ જેલ મુક્ત થવા સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી.


સાગઠિયાના પરિવારે કરેલી આગોતરા જામીન અરજી અને ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખાભાઈ ઠેબાએ કરેલી રેગ્યુલર જામીન અરજી રદ કરવા પોલીસે પણ કોર્ટમાં સોગંદનામુ રજૂ કર્યું છે. જે બંને જામીન અરજીની આજે સુનાવણી હતી. પરંતુ બંને જામીન અરજીઓમાં મુદત પડતા આગામી તા. 29 મી ઓગષ્ટના રોજ બંને જામીન અરજીની સુનાવણી હાથ ધરવામાં આવશે તેવું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. અપ્રમાણસર મિલકતના ગુનામાં મનસુખ સાગઠિયા પરિવારે કરેલી આગોતરા જામીન અરજી અને ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખાભાઈ ઠેબાની રેગ્યુલર જામીન અરજીની સુનાવણી ઉપર સૌની મિટ મંડાણી છે.આ કેસમાં સરકાર સ્પે. પીપી સંજયભાઈ કે. વોરા અને સાગઠીયાના પરિવાર વતી અમદાવાદના એડવોકેટ અંસારી અને ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખાભાઈ ઠેબા વતી રાકેશ દોષી રોકાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version