89553 મતદારોના મૃત્યુ, 1,69135નું કાયમી સ્થળાંતર, 58942 સ્થળ પર મળ્યા નહીં, 10763 ડુપ્લીકેટ નીકળ્યા
રાજકોટ શહેર જિલ્લાની આઠ વિધાનસભા મત વિસ્તારની મતદારયાદીની આજે આખરી પ્રસિધ્ધી કરી દેવામાં આવી છે જે મુજબ અગાઉની મતદાર યાદીમાં 2391027 મતદારો હતાં તે નવી મતદારયાદીમાં 3 લાખ 1650 મતદારો ઘટીને 20 લાખ 893 77 મતદારો રહ્યા છે. જિલ્લામાંથી 89553 મૃતક તેમજ સ્થળ પર નહીં મળી આવેલ 58942 અને 169135 કાયમી સ્થળાંતર કરી ગયેલા તથા 10736 ડુપ્લીેકટ તેમજ 7304 અન્ય કારણોથી મતદારોના નામો કમી કરવામાં આવ્યા છે. હવે 20.89 લાખ મતદારો રહ્યાં છે.
રાજકોટના જિલ્લા ચૂંટણી અધિકારી ડો. ઓમ પ્રકાશની અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હી દ્વારા જાહેર કરવામાં આવેલી તા. 01.01.2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં સઘન મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ(Special Intensive Revision) તા.28.10.2025ના રોજ શરૂૂ થયો હતો. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં મતદારો માટે કુલ 23,91,027 એન્યુમરેશન ફોર્મ (EFs ગણતરી ફોર્મ) પ્રિન્ટ કરવામાં આવ્યા હતા.
એસ.આઈ.આર.ની કામગીરી માટે 2256 બી.એલ.ઓ. તથા 233 બી.એલ.ઓ. સુપરવાઇઝરને સઘન તાલીમ આપવામાં આવી હતી. રાજકીય પાર્ટીઓ દ્વારા કુલ 437 બૂથ લેવલ એજન્ટસની નિમણૂક કરવામાં આવી હતી.
જિલ્લામાં અંદાજે 6000 બૂથ લેવલ પદનામિત અધિકારીઓ (Volunteers)ની નિમણૂકો કરવામાં આવી. તમામ તાલુકાઓ અને શહેરી વિસ્તારમાં ત્રણ સેક્ટર રૂૂટ દીઠ એક સિનિયર નાયબ મામલતદાર કક્ષાના અને અન્ય 02 કર્મચારીઓને સુપરવિઝનની ફરજના હુકમો કરવામાં આવ્યા હતા.
જિલ્લામાં કુલ 2256 બૂથ લેવલ ઓફિસર દ્વારા તા. 04/11/2025થી 04/12/2025 સુધી ઘરે-ઘરે જઈને ઈ.એફ. ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. દરમિયાન બી.એલ.ઓ.એ મતદારોના ઘરની ત્રણવાર મુલાકાત લઈને ફોર્મ ભરાવવામાં મદદ કરીને ફોર્મ પરત મેળવ્યા હતા. આ કામગીરીનું 233 બી.એલ.ઓ. સુપરવાઇઝર દ્વારા સઘન સુપરવિઝન કરવામાં આવ્યું હતું.
સને 2002ની મતદાર યાદી સાથે કુલ 8,23,668 મતદારોએ પોતાની માહિતી આપેલી છે, તેમજ 10,06,177 મતદારોએ પોતાની વંશાવલી દ્વારા મેપિંગ કરાવ્યું છે. બાદમાં રાજકોટ જિલ્લામાં આઠ વિધાનસભા મત વિસ્તારમાં મતદાર નોંધણી અધિકારી (ERO) દ્વારા ડ્રાફ્ટ મતદાર યાદી તૈયાર કરી, તા. 19/12/2025ના રોજ આ ડ્રાફ્ટરોલ (મુસદ્દા યાદી) પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. આ યાદીમાં જિલ્લાના કુલ-08 વિધાનસભા મત વિસ્તારમાં 20,55,357 મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
મુસદ્દા યાદી તા. 19/12/2025ના રોજ પ્રકાશિત થયા બાદ, મતદાર નોંધણી અધિકારી (ERO)/ મદદનીશ મતદાર નોંધણી અધિકારી (AERO) દ્વારા નોટિસ જારી કરીને, વાંધાઓ-દાવાઓ મેળવવામાં આવ્યા હતા અને મતદારોને યોગ્ય દસ્તાવેજો સાથે પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવામાં આવી હતી.
રાજકોટ જિલ્લામાં કુલ 3,44,513 મતદારો જેમાં નો મેપિંગ અને લોજિકલ ડિસ્ક્રિપન્સિસવાળા મતદારોને નોટિસ પાઠવવામાં આવી હતી અને મદદનીશ મતદાર નોંધણી અધિકારી AERO કક્ષાએથી રૂૂબરૂૂ સાંભળવામાં આવ્યા હતા. જે પૈકી 3,37,310 મતદારો દ્વારા મતદારયાદીમાં નામ ચાલુ રાખવા પોતાની ઓળખના પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. જ્યારે 7210 મતદારો દ્વારા પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા ન હોવાના, કારણે તેમના નામ મતદાર યાદીમાંથી કમી કરવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત રાજકોટ જિલ્લામાં, નવા નામ ઉમેરવા 33,452 ફોર્મ-6 ભરાયા, નામ કમી કરવા માટે 9245 ફોર્મ-7 ભરાયા, સ્થળાંતર તેમજ અન્ય વિગત સુધારવા માટે 33,539 ફોર્મ-8 ભરાયા હતા. આમ કુલ 76,236 હક્ક-દાવા રજૂ કરવામાં આવ્યા હતા. જેનો નિયમાનુસાર નિકાલ કરવામાં આવ્યો હતો.
રાજકોટ જિલ્લામાં કુલ-08 વિધાનસભા મત વિસ્તારમાં 20,88,779 મતદારો તથા 598 સેવા મતદારો (સર્વિસ વોટર્સ) મળીને કુલ 20,89,377 મતદારોનો આખરી મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવેલ છે. જે આજરોજ તા. 17/02/2026ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
સદરહુ મતદાર યાદીમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ નામો સામે અથવા કમી કરવામાં આવેલ નામો પરત્વે કોઈ મતદારનો વાંધો હોય તો તેઓ જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ આર.પી. એક્ટ 1950ની કલમ 24 (એ) તળે, મતદાર નોંધણી નિયમો 1960ના નિયમ 27થી નિયત કરેલ રીતે અપીલ દાખલ કરી શકે છે.
વિધાનસભા વાઈઝ મતદારોની સંખ્યા
68-રાજકોટ 2,52,250
69-રાજકોટ 2,97,733
70-રાજકોટ 2,09,146
71-રાજકોટ 3,59,648
72- જસદણ 2,58,414
73- ગોંડલ 2,13,008
74- જેતપુર 2,54,655
75- ધોરાજી 2,44,523
વિવિધ કેટેગરી વાઇઝ જોઈએ તો, 18-19 વર્ષના 26,591 મતદારો, દિવ્યાંગ મતદારો 12,929, 80 વર્ષથી વધુ વયના મતદારો 44,690, જેમાં 100 વર્ષથી વધુ વયના 460 મતદારોનો પણ સમાવેશ થાય છે.

