ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, પટેલ નાગજીભાઈ વિરાણી, પૂર્વ ફોજી નટુભા ઝાલા, પ્રતાપભાઈ વાળા, એસ.પી રાજાણી ની સંયુક્ત યાદી જણાવે છે કે રાજકોટ એસ.ટી બસ પોર્ટ પર પ્લેટફોર્મ નંબર 1 અને 2 ની સામે ચાર ચાર ઇન્કવાયરી હોવાના પગલે અંધાધુંધી અને અરાજકતા ફેલાતી હતી અને બસપોર્ટ પર પ્લેટફોર્મ નંબર 1 થી 22 હોય ત્યારે પ્લેટફોર્મ નંબર 14 પછી બસ ક્યારે આવી જાય અને ક્યારે નીકળી જાય એનો ખ્યાલ રહેતો નહીં જે પગલે પ્લેટફોર્મ નંબર 14 થી 22 જેમાં સૌરાષ્ટ્ર ઝોન અને ગોધરા, મંડોર સહિત પૂછપરછ માટેની તાબડતોબ ધારાસભ્યો અને એસ.ટીના અધિકારીઓ દ્વારા કેબીન મૂકવામાં આવી અને જેને એકાદ માસ જેટલો સમય થવા છતાં આ કેબિનમાંથી માઈક ન હોવાના પગલે ઉદઘોષણા થઈ શકતી નહોતી. રાજકોટના સિનિયર ડેપો મેનેજર ઘનશ્યામભાઈ હરિભાઈ ચગના આંખમિચામણા, બેદરકારી અને લાપરવાહી વધુ એક વખત ફલિત થઈ છે અને માઇક સિસ્ટમ શરૂૂ કરવામાં આવી નહોતી જે પગલે રાજકોટના એસ.ટીના નવનિયુક્ત વિભાગીય નિયામકને આ અંગે લેખિત રજૂઆત બાદ ટેલીફોનિક વાતચીત કરતાની સાથે વિભાગીય નિયામક દ્વારા હકારાત્મક વલણ અપનાવી ગણતરીની કલાકોમાં જ માઇકની વ્યવસ્થા કરી સિસ્ટમ શરૂૂ કરી દેવામાં આવી છે.
જેને પગલે પ્લેટફોર્મ નંબર 14 થી 22 ના હજારો મુસાફરોને હાલાકી દૂર થઈ છે. રજૂઆતની ત્વરિત અમલવારી કરવા બદલ ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ વિભાગીય નિયામકનો આભાર વ્યક્ત કરે છે. અને એકાદ મહિનાથી માઇક સિસ્ટમ શરૂૂ ન કરવા બદલ જવાબદારો સામે દંડનીય કાર્યવાહી કરી અને નિયમાનુસાર પગલાં ભરવા મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા અપીલ કરવામાં આવે છે.

