મનપસંદ જીમખાનાની હાઇપ્રોફાઇલ કલબમાં જુગાર રમતા 184 ઝડપાયા

  અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલી મનપસંદ જીમખાના ક્લબમાં ચાલતા હાઈપ્રોફાઈલ જુગાર કલબનો પર્દાફાશ થયો છે. સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનિટરીંગ સેલે પાડેલા દરોડોમાં 184…

 

અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલી મનપસંદ જીમખાના ક્લબમાં ચાલતા હાઈપ્રોફાઈલ જુગાર કલબનો પર્દાફાશ થયો છે. સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનિટરીંગ સેલે પાડેલા દરોડોમાં 184 જેટલા જુગારીઓ મોટા મુદ્દામાલ સાથે ઝડપાયા છે. પોલીસ દ્વારા હાલ મુદ્દામાલની ગણતરી કરી આગળની કાર્યવાહી હાથ ધરી ત્યારે કાગળની વિધી કરવામાં આજે સાંજ સુધીનો સમય નીકળી જવાની શકયતા છે. આ દરોડામાં શહેરના અનેક નામી લોકો પણ ઝડપાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

દરિયાપુર વિસ્તારમાં આવેલી મનપસંદ જીમખાના ક્લબમાં જુગારધામ ચાલતુ હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યા હતા. જુગારધામ પરથી 184 જેટલા જુગારીઓને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભૂતકાળમાં પણ અહીં ચાલતો જુગાર ઝડપા ચૂક્યો છે. એસએમસીએ દરોડો પાડતા સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યો છે.

અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં મોટા વાઘજીપુરા વિસ્તારમાં આવેલા મનપસંદ જીમખાના પ્રાઇવેટ લિમિટેડ નામથી ચાલતા ક્લબમાં મોટા પ્રમાણમાં જુગાર રમાતો હોવા અંગેની બાતમી સ્ટેટ મોનીટરિંગ સેલના ઉચ્ચ અધિકારીઓને મળી હતી. જેના આધારે અલગ અલગ પાંચથી વધુ ટીમો બનાવીને દરિયાપુરના મનપસંદ જિમખાના ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો. ત્રણ માળના મનપસંદ જીમખાના ક્લબમાં અલગ અલગ માળ ઉપર બેસીને જુગાર રમાતો હોવાનું બહાર આવ્યું હતું. અચાનક જ પોલીસ ત્રાટકતા ભારે નાસભાગ મચીજવા પામી હતી. અને અમુક ખેલૈયા ટોઇલેટમાં છુપાઇ ગયા હતા. જો કે પોલીસે તમામ દરવાજા બંધ કરી દીધા હોવાથી કોઇ ભાગી શકયા ન હતા.

જુગારધામમાં એક ટેબલ ઉપર પાંચથી સાત લોકો બેસીને જુગાર રમતા હતા. પોલીસ ત્રાટકતાની સાથે જ જુગારીઓમાં સોંપો પડી ગયો હતો. જુગારધામમાં સીસીટીવી સહિતની તમામ સુવિધાઓ હોવાની જાણકારી મળી રહી છે. ઘટનાસ્થળ પરથી લકઝુરિય ગાડી સહિતનો મુદ્દામાલ મળી આવ્યાનું જાણવા મળ્યું છે. આ મામલે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના ભૂતપૂર્વ વડા નિર્લિપ્ત રાય હતા ત્યારે ગુજરાતમાં અનેક મોટા ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં મનપસંદ જીમખાના ક્લબમાં દરોડો પાડવામાં આવ્યો હતો ત્યારે તેમાં પણ ગેરકાયદેસર બાંધકામ કરેલું હોવાને લઈને સ્ટેટ મોનેટરીંગ સેલની ટીમે કોર્પોરેશનને સાથે રાખીને બાંધકામ તોડાવડાવ્યું હતું. દરિયાપુર મનપસંદ જીમખાના ક્લબમાં ભૂતકાળમાં જ્યારે દરોડો પાડવામાં આવે ત્યારે અલગ અલગ મકાનોમાં માણસોને બેસાડીને ચલાવવામાં આવતો જુગાર ઝડપાયો હતો.

સ્થાનિક પોલીસ અંધારામાં, બીજી વખત જુગારીઓ અખાડો ઝડપાયો
ઉલ્લેખનીય છે કે, દરિયાપુર વિસ્તારમાં વર્ષોથી મનપસંદ જીમખાના ક્લબ આવેલી છે. જેમાં ભૂતકાળમાં સ્ટેટ મોનેટરીંગ સેલની ટીમે જ દરોડો પાડીને 150થી વધુ જુગારીઓને ઝડપી પાડ્યા હતા ત્યારે ફરી એકવાર મોટા પ્રમાણમાં જુગારીઓ સાથે ચાલતું જુગારધામ અમદાવાદ પોલીસની એજન્સીઓ અને સ્થાનિક પોલીસની જાણ બહાર ઝડપી પાડ્યું છે. દરિયાપુર તંબુ ચોકીથી માત્ર 150 મીટર દૂર મનપસંદ જીમખાના ક્લબ આવેલી છે ત્યારે શહેર પોલીસની ક્રાઈમ બ્રાન્ચ સહિતની એજન્સીઓ, સ્થાનિક દરિયાપુર પોલીસ સ્ટેશનના પીઆઇ, ડીસ્ટાફ અને તંબુ ચોકીના પીએસઆઇ સહિતના પોલીસ કર્મીઓને કેમ જાણ ન થઈ અને ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડવો પડ્યો તેને લઈને સવાલ ઊભા થઈ રહ્યા છે.