માંજલપુર વિધાનસભા બેઠકમાં ભાજપનો દબદબો યથાવત, સતીશ પટેલનો ભવ્ય વિજય

વડોદરાના માંજલપુર વિધાનસભાની બેઠક ભાજપે જાળવી રાખી છે. પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સતીશ પટેલનો 30,499 મતની લીડ સાથે ભવ્ય વિજય થયો છે. કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઇ…

વડોદરાના માંજલપુર વિધાનસભાની બેઠક ભાજપે જાળવી રાખી છે. પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સતીશ પટેલનો 30,499 મતની લીડ સાથે ભવ્ય વિજય થયો છે. કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઇ રબારીને 24,585 મત જ મળ્યા હતા. આમ કોંગ્રેસના ઉમેદવારના કુલ મત કરતા ભાજપની લીડ વધુ હતી.

વડોદરા શહેરની 145-માંજલપુર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીનું પરિણામ સામે આવી ગયું છે, જેમાં ભારતીય જનતા પાર્ટી એ પોતાનો ગઢ જાળવી રાખીને ભવ્ય વિજય મેળવ્યો છે. ભાજપના ઉમેદવાર સતીષ પટેલે કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીને 30,499 મતોની જંગી સરસાઈથી પરાજય આપ્યો છે. સતીષ પટેલને કુલ 55,084 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 24,585 મત મળ્યા હતા.જીત બાદ વિજયી ઉમેદવાર સતીષ પટેલે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ જીત ભાજપના પાયાના કાર્યકરો અને અગ્રણીઓની મહેનતનું પરિણામ છે. તેમણે ઉમેર્યું હતું કે તેઓ આ ભવ્ય વિજયને સ્વ. યોગેશ પટેલને સમર્પિત કરે છે અને વિસ્તારના તમામ કાર્યકરો તથા મતદારોનો આભાર માને છે.

બીજી તરફ, પરાજિત કોંગ્રેસ ઉમેદવાર ભીખાભાઈ રબારીએ પરિણામનો સ્વીકાર કરવાની સાથે તંત્ર સામે ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, જનતાનો તેમને ઉત્સાહજનક પ્રતિસાદ મળતો હતો પરંતુ ભાજપે તેમની પાછળ સમગ્ર પ્રશાસન લગાવી દીધું હતું. તેમણે કાર્યકરો પર હુમલા કરાવવાના અને મતદારોને પ્રલોભન આપવાના આક્ષેપો પણ કર્યા હતા.