રાજકોટ, મોરબી અને જેતલસરમાં 12 મોબાઈલ ચોરી કરનારની ધરપકડ

રાજકોટ, મોરબી, જેતલસર અને વેરાવળ સહિતના અલગ-અલગ 12 જેટલા સ્થળોએથી કિંમતી મોબાઈલ ફોનની ચોરી કરનાર એક રીઢા ગુનેગારને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. પોલીસે…

રાજકોટ, મોરબી, જેતલસર અને વેરાવળ સહિતના અલગ-અલગ 12 જેટલા સ્થળોએથી કિંમતી મોબાઈલ ફોનની ચોરી કરનાર એક રીઢા ગુનેગારને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી આશરે રૂૂપિયા 56,000ની કિંમતના 12 ચોરાઉ મોબાઈલ ફોન જપ્ત કર્યા છે.

રાજકોટ ક્રાઈમ બ્રાંચને એક ચોક્કસ બાતમી મળી હતી કે ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો એક શખ્સ ચોરાઉ ફોન સાથે શહેરમાં ફરી રહ્યો છે. આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે વોચ ગોઠવીને શહેરના સિવિલ હોસ્પિટલ ચોક પાસેથી આરોપીને દબોચી લીધો હતો. તેની સઘન તલાશી લેતા તેની પાસેથી અલગ-અલગ કંપનીના 12 મોબાઈલ ફોન મળી આવ્યા હતા, જેની અંદાજિત કિંમત રૂા.56,000 જેટલી આંકવામાં આવી છે. પોલીસે તમામ ફોન કબજે કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કેશોદના મેસવાણનો વિક્રમ ઉર્ફે ઈટલી મનુભાઈ મક્કાનો ઈતિહાસ તપાસતા જાણવા મળ્યું છે કે આરોપી વિક્રમ ઉર્ફે ઈટલી કોઈ સામાન્ય ગુનેગાર નથી, પરંતુ તે અગાઉ પણ પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. રાજકોટ શહેર, રાજકોટ જિલ્લા, ગીર-સોમનાથના વેરાવળ અને કેશોદ પોલીસ મથકમાં તેની સામે ચોરી, જુગાર, ધમકી અને મારામારી સહિતના કુલ 9 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.

વિક્રમ ભીડભાડવાળા વિસ્તારો અને હોસ્પિટલોને બનાવતો નિશાન પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે તે છેલ્લા બે વર્ષ દરમિયાન રાજકોટના ધર્મેન્દ્ર રોડ તેમજ રાજકુમાર કોલેજ પાસે આવેલી ખાનગી હોસ્પિટલો, મોરબી અને જેતલસર રેલ્વે સ્ટેશન જેવા ભીડભાડવાળા વિસ્તારોમાંથી મોબાઈલની ચોરી કરતો હતો. તે ખાસ કરીને ભરબજાર, ચાની હોટેલો, મોલ અને હોસ્પિટલો જેવા વ્યસ્ત સ્થળોએ જઈને લોકોની નજર ચૂકવીને ક્ષણભરમાં મોબાઈલ ફોન સરકાવી લેવામાં માહિર હતો. હાલમાં ક્રાઈમ બ્રાંચ દ્વારા આરોપી વિક્રમ ઉર્ફે ઈટલીની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે, જેમાં અન્ય કેટલીક ચોરીના ગુનાઓ અને તેના સાગરીતોના નામ ખુલવાની પણ શક્યતા સેવાઈ રહી છે.

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર , સી.એચ.જાદવની સુચનાથી પીએસઆઈ ડી.પી.ઝાલાની ટીમના એ.એસ.આઇ. સમીરભાઈ શેખ , દીપકભાઈ ડાંગર , જીલુભાઈ ગરચર, ધર્મરાજસિંહ રાણા, મનીષભાઈ ચાવડા, અશ્વિનભાઈ પંપાણીયાએ કામગીરી કરી હતી.