તમને બહુ હવા આવી ગઈ છે, માપમાં રહેજો નહીંતર આખા ખાનદાનને સાફ કરી નાંખીશ

શહેરની ભાગોળે કોઠારીયા ગામે જમીન વેચાણના બાકી નાણાની ઉઘરાણી કર્યાનો ખાર રાખી ‘તમને બહુ હવા આવી ગઈ છે, માપમાં રહેજો નહીંતર આખા ખાનદાનને સાફ કરી…

શહેરની ભાગોળે કોઠારીયા ગામે જમીન વેચાણના બાકી નાણાની ઉઘરાણી કર્યાનો ખાર રાખી ‘તમને બહુ હવા આવી ગઈ છે, માપમાં રહેજો નહીંતર આખા ખાનદાનને સાફ કરી નાંખીશ’ તેવી ધમકી આપી ચાર શખ્સોએ છરી વડે હુમલો કરી પિતા-પુત્રને માર માર્યો હતો. આ અંગે આજી ડેમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ, કોઠારીયા ગામે રાધેશ્યામ સોસાયટી શેરી નં.3માં રહેતાં નિલેષભાઈ બાબુભાઈ પરસાણા (ઉ.50)એ આજી ડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે યોગેશ રાજગોર, ચિરાગ વાઘેલા, નીલદીપ અને અજય રાજગોરના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેઓએ એકાદ વર્ષ પહેલા આરોપી રાજેશ રાજગોરને જમીનના છ પ્લોટનું રૂા.55 લાખમાં વેચાણ કર્યુ હતું. જે પૈકી 30 લાખ લેવાના બાકી હોય જે બાબતે ફરિયાદીના ભાઈ કિરીટભાઈએ યોગેશ પાસે નાણાની ઉઘરાણી કરી હોય જેનો ખાર રાખી ગઈકાલે રાત્રે ફરિયાદી ઘર પાસે આવેલી ગોપાલ ડેરી પાસે બેસવા માટે જતાં હતા ત્યારે રસ્તામાં યોગેશે ઉભા રાખી ‘તારો ભાઈ ફોન ઉપાડતો નથી’ તેમ કહી બાદમાં ‘તમને બહુ હવા આવી ગઈ છે, માપમાં રહેજો નહીંતર આખા ખાનદાનને સાફ કરી નાંખીશ’ તેવી ધમકી આપી ઝપાઝપી કરવા લાગ્યા હતાં. જેથી ફરિયાદીએ તેના પુત્ર સત્યજીતને ફોન કરી બોલાવતા પુત્ર, ભાઈ અને ભત્રીજો વિવેક ત્યાં દોડી આવ્યા હતાં. એટલામાં અન્ય આરોપીઓએ પણ આવી હુમલો કર્યો હતો. જેમાં તેના પુત્ર સત્યજીતને હાથમાં છરી લાગી જતાં તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે ફરિયાદીને મુંઢ ઈજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ અંગે આજી ડેમ પોલીસે હુમલો કરનાર ચારેય શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.