રાજકોટમાં ક્રિકેટ રમતા 20 વર્ષના એન્જિનિયરીંગ છાત્રનું હૃદય બેસી જતા મોત

ગઇકાલે સવારે મૂળ બગસરાનો યુવાન મિત્રો સાથે ક્રિકેટ રમવા ગયો હતો, પરિવારમાં શોક અમરેલીના બગસરા નજીક આવેલ નાના મુંજીયાસર ગામનો વતની અને રાજકોટના કણકોટ પાસે…

ગઇકાલે સવારે મૂળ બગસરાનો યુવાન મિત્રો સાથે ક્રિકેટ રમવા ગયો હતો, પરિવારમાં શોક

અમરેલીના બગસરા નજીક આવેલ નાના મુંજીયાસર ગામનો વતની અને રાજકોટના કણકોટ પાસે સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતો 20 વર્ષીય સુમિત ગોંડલ ગઈકાલે ક્રિકેટ રમતો હતો ત્યારે અચાનક બેભાન થઈ જતા હોસ્પિટલ ખસેડતા તેનું મૃત્યુ થયું હતું. યુવાન પુત્રના મોતથી પરિવાર પર આભ ફાટી પડ્યા જેવો આઘાત છવાયો હતો.

મળેલી વિગતો મુજબ, કણકોટ નજીક રાજકોટની સરકારી એન્જિનિયરિંગ કોલેજના હોસ્ટેલમાં રહીં અહીં જ અભ્યાસ કરતો સુમિત વિપુલભાઈ ગોંડલિયા (ઉંમર વર્ષ 20) ગઈકાલે સવારે કોલેજના ગ્રાઉન્ડ પર ક્રિકેટ રમવા ગયો હતો. જ્યાં અચાનક ચક્કર આવતા તત્કાલ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ટૂંકી સારવારમાં જ તેનું મોત નીપજ્યું હતું. રાજકોટ તાલુકા પોલીસે મૃતદેહ પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. પુછપરછમાં જાણવા મળ્યું હતું કે, સુમિત મૂળ અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના નાના મુંજીયાસર ગામનો વતની હતો. તે એક ભાઈ અને એક બહેનમાં નાનો હતો. વતનમાં તેના પિતા ખેતી કામ કરે છે.

સુમિત રાજકોટ હોસ્ટેલ ખાતે રહીને એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો. ગઈકાલે સવારે તે કોલેજના મિત્રો સાથે ક્રિકેટ રમવા માટે કોલેજના જ ગ્રાઉન્ડમાં પહોંચ્યો હતો. હજુ ક્રિકેટ મેચ શરૂૂ નહોતો થયો ત્યાં સુમિતને અચાનક ચક્કર આવ્યા હતા. તે મેદાન પર ઢળી પડ્યો હતો. ત્યાં હાજર તેમના મિત્રોએ તેને ઊભો કર્યો હતો. ત્યારે સુમિતનું આખું શરીર ખેંચાતું હતું.

તે પેટમાં દુ:ખતુ હોવાની ફરિયાદ કરતો હતો. એમ્બયુલન્સની રાહ જોયા વગર સમય બગાડ્યા વિના મિત્રોએ તુરંત જ તેને નજીકની લેન્ડમાર્ક હોસ્પિટલમાં ખસેડ્યો હતો. હોસ્પિટલ પહોંચતા જ તે બેભાન થઈ ગયો હતો. અચાનક ધબકારા બંધ પડી ગયા હતા.

તબીબોએ સીપીઆર આપતા હૃદય ફરી ધબકતું થયું હતું. જોકે, સારવારના એક કલાક બાદ સુમિતે દમ તોડી દીધો. મોતનું કારણ હાર્ટ એટેક છે કે અન્ય કોઈ કારણ છે? તે પીએમ રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે. આ તરફ બહેને એકનો એક ભાઈ ગુમાવતા અને પરિવારે આશાસ્પદ પુત્રને ગુમાવતા પરિવારમાં ભારે કલ્પાંત છવાયો હતો.