ક્રાઇમ
ભાઈના હત્યારા સુધી પહોંચવા યુવાને ત્રણ વર્ષ સુધી સિરિયલ કિલર ‘ભુવા’ની ટેક્ષી ચલાવી!
પાંચમી હત્યાનો પ્લાન ઘડાયાની જાણ થતા જ યુવાને પોલીસ મથકે પહોંચી નવલસિંહની હકીકત જણાવતા ભાંડો ફૂટ્યો ને પોલીસે દબોચ્યો
ભુવા નવલસિંહ ચાવડા સાથે મિત્રતા કેળવી વિશ્વાસ જીત્યા બાદ જીગરે પુરાવા એકત્ર કર્યા
મૃતક વિવેકના મોબાઈલમાં છેલ્લો કોલ નવલસિંહનો હતો,ભાઈ જીગરને હત્યાની શંકા ઉપજી અને ત્રણ વર્ષ સુધી જીણવટભરી તપાસ કરતા નવલસિંહે જ હત્યા કર્યાનું ખુલ્યું
લોકો સાથે ધર્મ અને આસ્થાને નામે રુપિયા પડાવનાર તો અનેક હોય છે,પણ રુપિયા પડાવવાની સાથે સાથે આવા ધુતારાઓ ખુની ખેલને અંજામ આપતા પણ ખચકાતા નથી. ગુજરાતમાં આવી જ રીતે લોકોને તાંત્રિક વિધિના નામ પર ભરમાવીને રુપિયા પડાવવાની સાથે તેમને મોતને ઘાટ ઉતારવાનો ખેલ પણ એક ભૂવાએ શરુ કર્યો હતો.જો કે હત્યારો ભૂવો આખરે પોલીસ પકડમાં આવી ગયો છે.આરોપીએ ચાર હત્યા કર્યા બાદ હવે પાંચમી હત્યા કરવાની તૈયારી કરતો હતો ને પોલીસે તેમને ઝડપી લીધો હતો.
મૂળ સુરેન્દ્રનગરના વઢવાણના સિરિયલ કિલર નવલસિંહ ચાવડા છેલ્લા 7 મહિનાથી અમદાવાદનાં વેજલપુર વિસ્તારમાં પરિવાર સાથે રહેવા માટે આવ્યો હતો.આ સિરિયલ કિલર કઈ રીતે પકડાયો?તેની તપાસ અને માહિતી ગુજરાત મિરર દ્વારા મેળવવામાં આવતા જાણવા મળ્યું હતું કે,નવલસિંહની હકીકત આપનારા જીગર ગોહિલના ભાઇનું વર્ષ 2021માં અસલાલી વિસ્તારમાં મોત નિપજ્યું હતું.પોલીસે અકસ્માતની ઘટનામાં મોત થયું હોવાનું માનીને તપાસ કરી હતી.જો કે મૃતકના શરીર પર ઇજાના નિશાન નહોતા કે બાઇક પર કોઇ નિશાન નહોતા.જેના રિપોર્ટમાં પણ સોડિયમની હાજરી જણાઇ આવી હતી.
ભાઈના હત્યારાને પકડવા જીગર એક ટેક્ષી ડ્રાઇવર બન્યો હતો અને કથિત આરોપી નવલસિંહ ચાવડા વિષે ત્રણ વર્ષ સુધી જીણવટભરી તપાસ કરી હતી અને હત્યારો નવલસિંહ ચાર હત્યા કર્યા બાદ વધુ એક હત્યાનો પ્લાન કરવા જઈ રહ્યો હોવાની માહિતી મળતા જ જીગર પહેલી ડિસેમ્બરે સરખેજ પોલીસ મથકે પહોંચ્યો હતો અને ત્યાં અધિકારીને જણાવ્યું કે મારા ભાઈ સહીત ચાર વ્યક્તિની હત્યા કરનાર નવલસિંહ વધુ એક હત્યા કરવાનો છે.આ સાંભળી પોલીસ પણ ચોકી ગઈ હતી.
આ વખતે નવલસિંહે નિશાન સાણંદના વેપારી અભિજીત રાજપૂતને નિશાન બનાવવાનો પ્લાન હતો.જેમાં નવલસિંહ દ્વારા અભિજીતની હત્યા કરવા માટે અનેકવિધ પ્લાનિંગ કર્યા હતા અને કોઈ પીણાંમાં ઝેર આપવાનું પણ નક્કી કર્યું હતું.
આ સમગ્ર પ્રકરણમાં પોલીસ ઈન્સ્પેક્ટર આર.કે.ધુલિયાએ હકીકત જણાવતા કહ્યું હતું કે,ઓગસ્ટ 2021માં જીગરના ભાઈ વિવેકના મૃત્યુ અંગેનો બનાવ શંકાસ્પદ હતો.આ બનાવ બન્યા બાદ જિગરે તાંત્રિક નવલસિંહ વિરુદ્ધ મજબૂત પુરાવા એકત્ર કરવામાં માટે ત્રણ વર્ષ સુધી ઝીણવટપૂર્વક તપાસ શરુ કરી હતી.પોલીસના જણાવ્યા અનુસાર,વિવેક અસલાલી કમોદ ગામમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.શરૂૂૂઆતમાં પોલીસે આ માર્ગ અકસ્માત હોવાનું માન્યું હતું.જો કે,આ ઘટના અકસ્માતની હોવાનું જીગરે સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને પોતાની તપાસ શરૂૂ કરી હતી,જે દરમિયાન તેને જાણવા મળ્યું હતું કે વિવેકની હત્યા કરવામાં આવી હતી અને તે હત્યા પહેલા નવલસિંહ ચાવડાના સંપર્કમાં હતો.
આ સમગ્ર ઘટનામાં પોલીસે આ બનાવ પર પડદો ઢાંકી દીધો હતો પરંતુ જીગર પોતાના ભાઈ વિવેકના હત્યારા સુધી પહોંચવા જીગરે આ તાંત્રિક નવલસિંહ સાથે મિત્રતા કરી હતી અને યોજના મુજબ તેની સાથે નાઈટ-શિફ્ટ ટેક્સી ડ્રાઈવર તરીકે નોકરી કરવા લાગ્યો હતો.આ મામલે પીઆઇ ધુલીયાએ જણાવ્યું હતું કે,નવલસિંહની પાસે એક કાર હતી,જેનો તે દિવસ દરમિયાન ટેક્સી તરીકે ઉપયોગ કરતો હતો અને જીગર રાત્રે ટેક્ષી તરીકે વાહન ચલાવતો હતો.તેણે નવલસિંહ સાથે રહી અને તેમને ભણક પણ ના આવે એવી રીતે તેમના વિષે નાની-મોટી વિગતો એકઠી કરવા લાગ્યો હતો.તેણે નવલસિંહનો વિશ્વાસ જીતી લીધો હતો.ત્યારબાદ તેમણે નવલસિંહ અભિજીતની કઈ રીતે હત્યા કરવાની છે તેની બધી જાણકારી મેળવી લીધી હતી.આ સમગ્ર હકીકત જાણી જીગરે પોલીસને એલર્ટ કર્યા પછી નવલસિંહની તમામ હકીકત આપી હતી અને પોલીસે સમયસૂચકતાં દાખવી નવલસિંહને પકડી અભિજીત રાજપૂતનો જીવ બચાવી લીધો હતો.પોલીસે રિમાન્ડ માંગતા કોર્ટે આરોપીના 7 દિવસના રિમાન્ડ આપ્યા હતા.
કોઈ વ્યક્તિની હત્યાને હાર્ટએટેકમાં ખપાવવા આલ્કોહોલમાં સોડિયમ નાઇટ્રેટ નાખી પીવડાવી દેતો!
આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે,એક ડિસેમ્બરે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ અભિને પૈસા લઈને સનાથલ સર્કલ પાસે બોલાવવાનો હતો.ત્યારબાદ તાંત્રિક વિધિના બહાના હેઠળ તેને પાણી કે આલ્કોહોલમાં સોડિયમ નાઇટ્રેટ પીવડાવ્યા બાદ અડધો કલાકમાં ચાર ગણા રૂૂપિયા લઈ જવા માટેનું કહેવાનો હતો.આ સમયગાળા દરમિયાન સોડિયમ નાઇટ્રેટ પીવાથી 20 થી 30 મિનિટમાં તેનું હાર્ટ એટેકથી મૃત્યુ થાય અને તે રૂૂપિયા લઈને ફરાર થઈ જાય તેવો પ્લાન હતો.આરોપી પાસેથી પોલીસે સોડિયમ નાઈટ્રેટનો પાવડર પણ જપ્ત કર્યો છે.આરોપીએ આ પાઉડર સુરેન્દ્રનગરમાંથી એક લેબમાંથી ખરીદ્યો હોવાનું જણાવ્યું છે.
ભુવાની યુટ્યુબમાં ‘મોજે મસાની’ નામની ચેનલ, ‘ક્રાઇમ પેટ્રોલ’ જોઈ બન્યો સિરિયલ કિલર!
પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ પોતે યુ ટ્યુબમાં મોજે મસાની નામે ચેનલ પણ શરૂૂ કરી હતી.જેમાં તેને પોતાના ભૂવા તરીકેના વિડિયો પણ અપલોડ કર્યા છે.જેના થકી તે લોકોને વિશ્વાસમાં લેતો હતો. પોલીસને આશંકા છે કે આરોપીએ આ સિવાય અન્ય ત્રણથી ચાર લોકો સાથે પણ આ રીતે છેતરપિંડી કરી છે અને મોતને ઘાટ ઉતાર્યા છે.આરોપી નવલસિંહ ચાવડા મોટા ભાગે ક્રાઈમ પેટ્રોલ જેવી સિરિયલો પણ જોતો હતો.
તાંત્રિક ટાર્ગેટ વ્યક્તિ પાસે પહેલાથી સ્યૂસાઇડ નોટ લખાવી લેતો હોવાની શંકા
પોલીસ તપાસમાં આરોપી પાસેથી કાદર અલી નામના વ્યક્તિના નામની એક સ્યૂસાઇડ નોટ મળી આવી છે.આ વ્યક્તિ કોણ છે, તે જીવીત છે કે મૃત છે તે બાબતે પોલીસે તપાસ તેજ કરી છે. સાથે જ આરોપી જે વ્યક્તિને ટાર્ગેટ કરે તેની પાસે પહેલા આ પ્રકારની સ્યૂસાઇડ નોટ લખાવી લેતો હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી છે. બીજી બાજુ આરોપી ખૂબ જ ચાલાક હોવાથી કેટલીક કબૂલાત ન કરતો હોવાથી જરૂૂર પડ્યે તેનો નાર્કોટેસ્ટ કરવા તજવીજ હાથ ધરાશે.
પાટડિયા પરિવારની હત્યાની ફાઈલ ફરી ખુલશે!
તપાસકર્તા પોલીસ અધિકારીએ જણાવ્યું કે,2023ની સાલમાં નવલસિંહે એક જ પરિવારના ત્રણ સભ્યોની હત્યા કરી હતી.જે બાદ તેમના મૃતદેહને દૂધરેજ નહેરમાં ફેંકી દીધા હતા.સુરેન્દ્રનગર પોલીસે 2024માં તેને સામૂહિક આત્મહત્યાનો મામલો ગણાવ્યો હતો.તેણે દીપેશ પાટડીયા, તેની પત્ની પારૂૂલ તથા પુત્રી ઉત્સવીની હત્યા કરી હતી.આ મામલે અન્ય એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું,બંને જૂના કેસને ફરીથી ખોલવામાં આવશે.