ઇન્સ્ટાગ્રામ પર પ્રેમજાળમાં ફસાવી યુવતીએ 3 લાખ પડાવી બદનામ કરતા યુવાનનો આપઘાત

રૂપિયા પડાવી યુવતીએ તું ખોટા ધંધા કરે છે’ કહી સંબંધ કાપી નાખતા ઝેરી દવા પી લીધી રાજકોટના બજરંગવાડી સર્કલ પાસે આવેલા પવન કોમ્પ્લેક્સ નજીક રહેતા…

રૂપિયા પડાવી યુવતીએ તું ખોટા ધંધા કરે છે’ કહી સંબંધ કાપી નાખતા ઝેરી દવા પી લીધી

રાજકોટના બજરંગવાડી સર્કલ પાસે આવેલા પવન કોમ્પ્લેક્સ નજીક રહેતા 26 વર્ષીય નેપાળી યુવાન યુવરાજ કેતનભાઇ થાપા નામના શ્રમિકે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી પ્રેમજાળમાં ફસાવી આર્થિક છેતરપિંડીના માનસિક ત્રાસથી કંટાળીને આજીડેમ નજીક તળાવ પાસેના પુલ પર ઝેરી દવા પી આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

રોજ મજૂરી કરીને કડિયા કામ કરતા આ યુવકને થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર શ્રદ્ધા નામની યુવતી સાથે પરિચય થયા બાદ પ્રેમ સંબંધ બંધાયો હતો. આ પ્રેમ સંબંધ દરમિયાન યુવતીએ યુવરાજને પોતાની માયાજાળમાં ફસાવીને છેલ્લા સાતેક મહિનાના ટૂંકા ગાળામાં તેની પાસેથી કટકે-કટકે આશરે ત્રણ લાખ રૂૂપિયા જેટલી મોટી રકમ પડાવી લીધી હતી. કાળી મજૂરી કરીને કમાયેલા પૈસા પડાવી લીધા બાદ પણ શ્રદ્ધાની લાલચ સંતોષાઈ નહોતી અને પૈસા ખખેરી લીધા બાદ તેણે યુવરાજ સાથે અચાનક જ છેડો ફાડી નાખ્યો હતો.

રૂૂપિયા પડાવી લીધા બાદ યુવતીએ યુવરાજને માનસિક રીતે ટોર્ચર કરવાનું શરૂૂ કર્યું હતું અને ’તું ખોટા ધંધા કરે છે અને હવે તારી સાથે કોઈ સંબંધ રાખવો નથી’ તેમ કહીને યુવરાજને સમાજમાં અને મિત્રવર્તુળમાં બદનામ કરવાનું શરૂૂ કર્યું હતું. પ્રેમમાં અંધ બનેલા યુવકને આ આર્થિક છેતરપિંડી અને સમાજમાં થતી બદનામીનો માનસિક ત્રાસ સહન ન થતાં, આખરે તેણે આજીડેમ પાસે જઈને મોટું પગલું ભરી લીધું હતું.

ઘટનાની જાણ થતાં જ ગંભીર હાલતમાં યુવરાજને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન આ કમનસીબ શ્રમિક યુવકનું કરુણ મોત નીપજ્યું હતું. યુવકના મોતના પગલે તેના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. આ સમગ્ર મામલે હોસ્પિટલ ચોકી દ્વારા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડી, છેતરપિંડી કરનાર યુવતી સામે કાયદેસરની તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે.