Site icon Gujarat Mirror

ઓનલાઈન ગેમિંગમાં પૈસા હારી જતાં યુવાનનો ગળેફાંસો ખાઈને આપઘાત

પોલીસ કોઈને હેરાન ન કરે મારા પરિવારે દેણું ભરી દીધું છે, મારી પત્ની અને દીકરીનું ધ્યાન રાખજો, મૃતક પાસેથી ચિઠ્ઠી મળી આવી

ઓનલાઇન ગેમિંગને કારણે આજનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે.તેમજ ગેમિંગમાં મોટી માત્રામાં નાણાં હારી જતા આપઘાતના બનાવ પણ બની રહ્યા છે.ત્યારે રાજકોટ શહેરમાં ઓનલાઈન ગેમિંગને કારણે યુવાને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધા ની ઘટના ભક્તિનગર પોલીસ મથક વિસ્તારમાં નોંધાઇ છે. આ ઘટનામાં યુવાન પાસેથી એક ચિઠ્ઠી મળી આવી હતી જેમાં પોતે ઓનલાઈન ગેમિંગમાં પૈસા હારી જતા આ પગલું ભરી લીધાનું જણાવ્યું હતું.જો કે હાલ પોલીસે તેમના મોબાઈલ ની કોલ ડીટેઇલના આધારે તપાસ શરૂૂ કરી છે.

વધુ વિગતો મુજબ, સહકારી સોસાયટીમાં રહેતા રેનીસ જેન્તીભાઈ કોરાટ(ઉ.34)નામના યુવાને પોતાના ઘરે ગઈકાલે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.પોતે છેલ્લા ઘણા સમયથી કાંઈ કામ કરતો નહોતો અને તેમને સંતાનમાં એક દીકરી છે.ગઈકાલે પરિવારજનો બહાર ગયા હતા ત્યારે રેનીસે ગળેફાંસો ખાઈ લીધો હતો.આ અંગે હેડકોન્સ્ટેબલ તોરલબેન જોશી તપાસ ચલાવી રહ્યા છે.પોલીસમાંથી જાણવા મળ્યું હતું કે,રેનિસભાઈ પાસેથી એક સ્યુસાઇડ નોટ મળી આવી છે જેમાં તેમણે જણાવ્યું હતું કે તે ઓનલાઈન ગેમિંગમાં પૈસા હારી ગયો હતો ત્યારે તેનું દેણું પરિવારજનોએ ભર્યું હતું અને પોતે કાંઈ કરી ન શક્યો દીકરી અને પત્નીનું ધ્યાન રાખજો પોલીસ કોઈને હેરાન ના કરે.આ ચિઠ્ઠીને આધારે પોલીસે વધુ તપાસ શરૂૂ કરી છે.તેમજ પરિવારમાં શોક છવાઈ ગયો છે.

Exit mobile version