Site icon Gujarat Mirror

દારૂના ડખ્ખામાં યુવાન ઉપર તલવારથી હુમલો

ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી દારૂ સાથે ઝડપાયેલા પિતરાઇના સમાધાનમાં ગયેલા યુવાન ઉપર ચાર શખ્સો તૂટી પડ્યા’તા

રાજકોટમાં ચૂંટણી નજીક આવતા દારૂૂના ધંધાર્થીઓ દારૂૂની હેરાફેરી કરવા મેદાને પડ્યા છે ત્યારે પોલીસ બુટલેગારોને રંગે હાથ ઝડપી રહી છે ત્યારે વધુ એક બનાવમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી દારૂૂના જથ્થા સાથે ઝડપાયેલા પિતરાય ભાઈના ડખ્ખાના સમાધાનમાં ગયેલા યુવાન ઉપર રામનાથપરા ગરૂૂડ ગરબીચોક ખાતે ચાર શખ્સોએ તલવાર અને ધારીયા જેવા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે હુમલાખોર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટ શહેરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગરુડ ગરબી ચોક પાસે ગઈકાલે મોડી રાત્રે લોહીયાળ અથડામણની ઘટના બની હતી. દારૂૂના જૂના કેસમાં સમાધાન કરવાના બહાને બોલાવીને ચાર શખ્સોએ એક યુવક પર તલવાર અને ધારીયા જેવા ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા સાકીરખાન હમીદખાન યુસુફી (ઉં.વ. 27) નામના યુવકને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ તેને જમણા પગના ઢીંચણના ભાગે ગંભીર ફ્રેક્ચર હોવાનું જાહેર કર્યું છે.

પ્રાથમિક તપાસમાં ફરિયાદી સાકીરખાનના મોટા બાપુના દીકરા બિલાલને ક્રાઈમ બ્રાંચે દારૂૂના કેસમાં પકડી પાડ્યો હતો. આ બાબતે સમાધાન કરવા માટે રવિવારે રાત્રે આશરે 11:30 વાગ્યાની આસપાસ આરોપી ટીકુભાઈ, તેનો ભાઈ ચંગો, સાહીલ પરમાર અને અસીમ પરમાર નામના શખ્સોએ ફરિયાદીને ગરુડ ગરબી ચોક પાસે બોલાવ્યો હતો. ફરિયાદી જ્યારે તેના ભાઈ નોઈનખાન સાથે ત્યાં પહોંચ્યા, ત્યારે આરોપીઓએ ’આજે તમને પતાવી દેવા છે’ તેમ કહી ગાળાગાળી શરૂૂ કરી હતી અને અચાનક હથિયારો સાથે તૂટી પડ્યા હતા.
હુમલા દરમિયાન આરોપી ટીકુભાઈ અને તેના ભાઈ ચંગાએ ધારીયા અને તલવાર વડે સાકીરખાન પર પ્રહારો કર્યા હતા. જીવ બચાવવા માટે સાકીરખાને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ આરોપીઓએ તેને આંતરીને જમણા પગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

આસપાસના લોકો એકઠા થઈ જતા ચારેય આરોપીઓ પોતપોતાના વાહનો લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ઘાયલ યુવકને તાત્કાલિક ખાનગી વાહનમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેના પગમાં ટાંકા લેવામાં આવ્યા છે અને હાલમાં તેની સારવાર ચાલી રહી છે.

રાજકોટ એ-ડિવિઝન પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા ની કલમ 118(1), 117(2), 352, 351(3), 3(5) તેમજ જી.પી. એક્ટની કલમ 135(1) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે હથિયારબંધીના જાહેરનામાના ભંગ બદલ પણ કાયદેસરની કાર્યવાહી કરી છે. આ કેસની વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ. આર. ચાવડા ચલાવી રહ્યા છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Exit mobile version