ગુજરાત

ગોંડલ હાઈવે પર ટેન્કરની અડફેટે બાઈકચાલક યુવાનનું મોત: હેલ્મેટનો બૂકડો બોલી ગયો

Published

on

માધાપર ચોકડી પાસે રહેતો યુવાન શાપર કારખાને જતો હતો ને ટેન્કર કાળ બની ત્રાટકયું : મોબાઈલ અને આધાર કાર્ડ પરથી ઓળખ થઈ

શહેરની ભાગોળે રાજકોટ-ગોંડલ હાઈવે પર અવારનવાર અકસ્માતની ઘટનાઓમાં લોકો જીવ ગુમાવી રહ્યા હોવાના બનાવો બની રહ્યાં છે ત્યારે આજે લધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. ગોંડલ હાઈ-વે પર કોઠારીયા સોલવન્ટ નજીક પુરઝડપે આવતાં ટેન્કરના ચાલકે આગળ જતાં બાઈકને ઠોકરે ચડાવતાં બાઈક ચાલક યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. બાઈક ચાલક યુવાને હેલ્મેટ પણ પહેર્યુ હોવા છતાં તેનો જીવ બચી શકયો ન હતો અને હેલ્મેટનો પણ બુકડો બોલી ગયો હતો. મૃતક યુવાન પાસેથી મળેલા મોબાઈલ અને આધારકાર્ડ ઉપરથી તેની ઓળખ મળી હતી. માધાપર ચોકડી પાસે રહેતો યુવાન શાપર કારખાનામાં કામે જતો હતો ત્યારે રસ્તામાં જ કાળ ભેટી જતાં પરિવાર જનોમાં ગમગીની છવાઈ જવા પામી છે.


જાણવા મળતી વિગત મુજબ, ગોંડલ હાઈ-વે કોઠારીયા સોલવન્ટ નજીક નુરાનીપરાના ગેઈટ પાસે આજે વહેલી સવારે અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો. જેમાં પુરઝડપે આવતાં ટેન્કર ચાલકે બાઈકને ઠોકરે લેતાં બાઈક ચાલક યુવાન રોડ પર ફંગોળાઈ ગયો હતો અને તેના માથા પર ટેન્કરના વ્હીલ ફરી વળતાં ઘટના સ્થળે જ તેનું કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. મૃતકે હેલ્મેટ પહેરી હોવા છતાં ટ્રકના તોતીંગ વ્હીલ ફરી વળતાં હેલ્મેટનો પણ બુકડો બોલી ગયો હતો અને યુવાનનો જીવ બચી શકયો ન હતો. અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતાં. જ્યારે ટ્રક ચાલક અકસ્માત સર્જી ટ્રક મુકી નાસી છુટયો હતો.


બનાવની જાણ થતાં આજી ડેમ પોલીસ મથકના હરપાલસિંહ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતક પાસેથી મળેલા મોબાઈલ અને આધારકાર્ડ પરથી પરિવારજનોનો સંપર્ક કરતાં પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. પ્રાથમિક તપાસમાં મૃતક માધાપર ચોકડી પાસે મનમોહન માર્બલ વાળી શેરીમાં બ્લોક નં.10માં રહેતા ભાસ્કરભાઈ નાથાલાલ મુંગરા (ઉ.41) હોવાનું ખુલ્યું હતું. વધુ તપાસમાં મૃતક ભાસ્કરભાઈ સવારે બાઈક લઈ શાપર વેરાવળમાં કેપ્ટન ટ્રેકટર નામના કારખાનામાં નોકરી કરતાં હોય જેથી તેઓ નોકરી પર જઈ રહ્યા હતાં ત્યારે જ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.મૃતક ભાસ્કરભાઈ બે ભાઈ એક બહેનમાં મોટા અને મુળ જામનગરના બાણુગર ગામના વતની હોવાનું અને તેમને સંતાનમાં એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવથી એકના એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી દેતાં પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version