આંતરરાષ્ટ્રીય
બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા અંગે કેનેડાની સંસદમાં ચર્ચા
ભારતીય મૂળના કેનેડિયન સાંસદ ચંદ્ર આર્યે ચિંતા વ્યકત કરી
ભારતીય મૂળના કેનેડિયન સાંસદ ચંદ્ર આર્ય એ બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ વધતી હિંસાના મુદ્દા પર ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી છે.તેમણે જણાવ્યું કે, તેઓ બાંગ્લાદેશમાં હિદુઓ, બૌદ્ધ અને ખ્રિસ્તીઓ વિરુદ્ધ થતી હિંસા અંગે ખૂબ જ ચિંતિત છે. તેમના અનુસાર, બાંગ્લાદેશમાં અસ્થિરતાના સમયે, ધાર્મિક લઘુમતીઓ, ખાસ કરીને હિંદુઓને ખાસ ભોગ બનવું પડે છે.
કેનેડિયન સાંસદ ચંદ્ર આર્યે જણાવ્યું કે, બાંગ્લાદેશની 1971 માં નવા દેશ તરીકે રચના પછીથી, તેમાં ધાર્મિક લઘુમતીઓની સંખ્યા ઝડપથી ઘટી છે. તેમણે કહ્યું કે, બાંગ્લાદેશમાં રહેતા કેનેડિયન હિંદુઓના પરિવારો પોતાના પરિવારના સભ્યો અને તેમની સંપત્તિની સુરક્ષાને લઈને ચિંતિત છે. સપ્ટેમ્બરની 23મી તારીખે, તેઓ સંસદની સામે એક રેલી યોજવાનો સમય નક્કી કરી રહ્યા છે, જેમાં બાંગ્લાદેશમાં હિંદુઓની હાલની સ્થિતિ પર પ્રકાશ પાડવામાં આવશે. આ રેલીમાં બાંગ્લાદેશમાં રહેતા કેનેડિયન બૌદ્ધ અને ખ્રિસ્તીઓના પરિવારો પણ જોડાશે.
શેખ હસીનાના પોતાના દેશમાંથી પલાયન થયા બાદથી બાંગ્લાદેશ ભડકે બળી રહ્યું છે.
દેશના મોટા ભાગના વિસ્તારોમાં હિંસા આજે પણ ચાલુ હોવાના અહેવાલ છે. ત્યારે મળતી માહિતી અનુસાર, આ દેશના 27 જિલ્લાઓમાં હિંદુઓ પર આજે પણ હુમલા થઇ રહ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બાંગ્લાદેશના જમાત-એ-ઈસ્લામીએ સ્વીકાર્યું છે કે શેખ હસીનાના રાજીનામા બાદ, લઘુમતીઓને ખાસ કરીને હિંદુઓને લક્ષ્ય બનાવવામાં આવી રહ્યું છે. સાથે જ, અવામી પાર્ટીના નેતાઓની પણ હત્યા થવાની ઘટનાઓ સામે આવી રહી છે.