Site icon Gujarat Mirror

કાગદડીમાં લોખંડની સીડી ઉભી રાખતા તારને અડી ગઇ, કરંટ લાગતા શ્રમિકનું મોત

મોરબી રોડ પર આવેલા કુવાડવા તાબેના કાગદડી ગામમાં આવેલી કંપનીમાં પિતા, ભાઇ સાથે રહી કામ કરતો મુળ બિહારનો યુવાન અગાસી પર હતો ત્યારે લોખંડની સીડી ઉભી કરવા જતાં સીડી બાજુમાંથી પસાર થતી વિજલાઇનને અડી જતાં કરંટ લાગતાં તેનું મોત થયું છે.

જાણવા મળ્યા મુજબ કાગદડીમાં માધવ હોટેલ પાછળ આવેલી ફોર્સ ઇન્ડિયા બેવરેજીસ કંપનીમાં ક્વાર્ટરમાં રહેતો અને અહિં ઓફિસ બોય તરીકે કામ કરતો સુરજકુમાર ધીરજકુમાર ઝા (ઉ.વ.21) સાંજે પાંચેક વાગ્યે કંપનીના અગાસીના ભાગે હતો ત્યારે લોખંડની સીડી નીચે પડી હોઇ તે ઉભી કરતો હતો તે વખતે બાજુમાંથી પસાર થતી વિજ લાઇનને સીડી અડી જતાં સુરજકુમારને જોરદાર કરંટ લાગતાં બેભાન થઇ પડી ગયો હતો.નજીકમાં જ તેના પિતા ધીરજકુમાર હોઇ બુમાબુમ કરતાં બીજા લોકો ભેગા થઈ ગયા હતાં. કંપની માલિક પણ દોડી આવ્યા હતાં. સુરજકુમારને તુરત જ બેભાન હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. પરંતુ અહિ તેનું મૃત્યુ થયું હતું.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં કુવાડવા પોલીસ સ્ટેશનના લક્ષમણભાઇ મહાજને કાર્યવાહી કરી હતી.મૃત્યુ પામનાર સુરજકુમાર બે ભાઇમાં મોટો અને અપરિણીત હતો. તેના પિતા પણ આ કંપનીમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે કામ કરે છે. મૃતદેહને અંતિમવિધી માટે વતન બિહાર લઇ જવાયો હતો.

Exit mobile version