જો કે સૌરાષ્ટ્રના આ પ્રથમ ડબલ ડેકર કેબલ બ્રિજનું કામ માંડ 50 ટકાએ પહોંચ્યું, આવતા ચોમાસે ખુલશે
અન્ડરપાસ માટે રિટેઇનિંગ વોલનું કામ 50 ટકા પુરુ થઇ ગયુ: ઓવરબ્રિજ માટે કુલ 88માંથી 36 ગર્ડરનું કામ થયું પૂર્ણ
રાજકોટના મુખ્ય પ્રવેશદ્વાર અને જ્યાથી રિંગરોડ-2 પર ચોવીસ કલાક હેવી વાહનોથી વ્યસ્ત રહેતી કટારિયા ચોકડીએ બનતા સૌરાષ્ટ્રના પ્રથમ એવા ડબલ ડેકર કેબલ બ્રિજમાં સૌપ્રથમ ફ્લાય ઓવરબ્રિજ માટે 26 પિલરના ફાઉન્ડેશનનું કામ 100 ટકા પુર્ણ થઇ ચુક્યુ છે. જો કે કામ માંડ 50 ટકાએ જ પહોંચ્યુ છે. જો કે બાકીના 50 ટકાના કામમાં અન્ડર અને ઓવર એમ બ્રિજના આ સંપુર્ણ પ્રોજેક્ટનું કામ પુરુ થતા હજુ આવતુ ચોમાસુ આવી જવાનું છે.
પ્રોજેકટ ઈન્ચાર્જ અને ઇ.સીટી ઇજનેર કુંતેશ મહેતાએ જણાવ્યું હતું કે આજની સ્થિતિ મુજબ પ્રોજેક્ટમાં કુલ 47.00 ટકા ભૌતિક પ્રગતિ તથા 40.51 ટકા નાણાકીય પ્રગતિ નોંધાઈ છે. પ્રોજેક્ટનું અમલીકરણ, ગુણવત્તા નિયંત્રણ અને બિલિંગ પ્રક્રિયા નિર્ધારિત આયોજન મુજબ સંતોષકારક રીતે આગળ વધી રહી છે. પ્રોજેક્ટ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ ખોદકામનું 76.03 ટકા કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. ફ્લાયઓવર માટે જરૂૂરી તમામ 26 ફાઉન્ડેશન, 26 પિયર તથા 26 પિયર કેપનું કાર્ય 100 ટકા પૂર્ણ કરવામાં આવ્યું છે. કુલ 111 પ્રી-સ્ટ્રેસ્ડ કોંક્રિટ (પીએસસી) ગર્ડરમાંથી 88 ગર્ડરનું કાસ્ટિંગ પૂર્ણ કરવામાં આવ્યું છે. 36 ગર્ડર સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યા છે. હાલમાં રિટેઇનિંગ વોલનું આશરે 50 ટકા કાર્ય પૂર્ણ થયું છે.
જ્યારે કુલ 26 પૈકી 2 ડેક સ્લેબનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું છે. ઉપરાંત યુ-ટાઇપ રિટેઇનિંગ વોલ, પાઇલિંગ, બોક્સ કલ્વર્ટ વિસ્તરણ તેમજ અન્ય તમામ બાકી રહેલી માળખાકીય કામગીરી વિવિધ તબક્કામાં ઝડપી ગતિએ પ્રગતિ હેઠળ છે. પ્રોજેકટ પૂરો કરવાની મુળ મર્યાદા 30 મહિનાની આપવામાં આવી છે. કટારીયા ચોકડી ઉપર ફલાયઓવર અને નીચે અંડરબ્રીજ બનાવવાના કામથી આ ચોકડીએ અવરજવર કરતા બે લાખ વાહન ચાલકોને લાભ થશે તેવો રીપોર્ટ અગાઉ બનાવવામાં આવ્યો હતો. આ બ્રીજ શરૂૂ થાય એટલે કાલાવડ રોડની મોટી ટ્રાફિક સમસ્યા હળવી થવાની છે.
કાલાવડ રોડ પર કટારીયા ચોકડીએ ફલાય ઓવર અને અંડરપાસનું કામ હાલ સમયસર ચાલી રહ્યું છે. બ્રીજ માટે ફાઉન્ડેશન ભરવા સહિતની કામગીરી આગળ વધી છે. જે તસ્વીરમાં ચાલતુ કોંક્રીટ કામ, અંડરપાસનો બની રહેલો રસ્તો અને ટ્રાયેંગલ ફલાય ઓવરની ડિઝાઇન પણ જોવા મળે છે.
કેકેવી બ્રિજની જેમ જ નીચે ગેમ ઝોન બનશે, વિશાળ ફૂડ કોર્ટ બનાવવા અત્યારથી જ પ્લાનિંગ
રાજકોટમાં ઓવરબ્રિજ નીચે ગેમ ઝોન શરૂૂ કરવાનો ચીલો ચાલુ થયો છે. બન્ને બાજુ સળસળાટ દોડતા વાહનોની વચ્ચે બ્રિજની નીચે આવા જોખમી ગેમ ઝોન ચાલુ કરવાનો ચીલો કે.કે.વી. ચોકના બ્રિજથી શરૂૂ થયો હતો. હવે કટારિયા ચોકડીએ બનતા કેબલ બ્રિજ નીચે પણ આ જ રીતે ગેમ ઝોન ઉપરાંત ફૂડ ઝોનના પ્લાનીંગ સાથે આ પ્રોજેક્ટ બની રહ્યો હોવાનું જાણવા મળ્યુ છે.
