જામનગરમાં વાહનનું હોર્ન વગાડવાના મામલે મહિલાઓ પર હુમલો: ચાર પાડોશી સામે ગુનો

જામનગરમાં ગોકુલ નગર નજીક મારુતિ નગર શેરી નંબર-2 વિસ્તારમાં રહેતી એક મહિલાએ જામનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તા. 9 જુલાઈની રાત્રે આશરે નવ વાગ્યે તેઓ…

જામનગરમાં ગોકુલ નગર નજીક મારુતિ નગર શેરી નંબર-2 વિસ્તારમાં રહેતી એક મહિલાએ જામનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તા. 9 જુલાઈની રાત્રે આશરે નવ વાગ્યે તેઓ પોતાના ઘરે હતા ત્યારે ચાર શખ્સો તેમના ઘરે ધસી આવ્યા હતા. ફરિયાદ મુજબ, ઘરના દરવાજા પર લાકડાનો ધોકો પછાડી તેમના દીકરાઓ વિશે પૂછતાં ગાળો બોલવાનું શરૂૂ કર્યું હતું. મહિલા તથા તેમના બંને દીકરાની પત્નીઓ બહાર નીકળતાં આરોપીઓમાંથી એકે લાકડાના ધોકાથી મહિલાના જમણા પગના સાથળના ભાગે માર મારતા તેઓ નીચે પડી ગયા હતા અને તેમને મુઢ ઈજા પહોંચી હતી.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપી મહેશસિંહે તેમના દીકરાએ તેના દીકરાને કેમ માર માર્યો હોવાનું કહી હુમલો કર્યો હતો. દરમિયાન મહિલાના નાના દીકરાની પત્ની સંગીતા બચાવવા વચ્ચે પડતાં તેને પણ ધક્કો મારી જમીન પર પછાડી દેવામાં આવી હતી. ઉપરાંત તેના જમણા હાથમાં લાકડાના ધોકાથી માર મારવામાં આવ્યો હતો અને વાળ ખેંચી મારપીટ કરવામાં આવી હતી. મહિલાએ વધુમાં આરોપ મૂક્યો છે કે મહેશસિંહે તેમની સાડી અને પોલકું ખેંચી તેમની છેડતી પણ કરી હતી.

બૂમાબૂમ થતાં આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા. ત્યારબાદ મહિલા અને તેમની પુત્રવધૂને પરિવારજનો જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. મહિલાને પગમાં થયેલી ઈજાના કારણે હાલચાલ કરવામાં તકલીફ પડતી હોવાથી ફરિયાદ મોડેથી નોંધાવી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.

ફરિયાદ અનુસાર, સમગ્ર બનાવનું મૂળ કારણ મહિલાના દીકરા અમિત અને મહેશસિંહના દીકરા વચ્ચે હોર્ન વગાડવા બાબતે થયેલો અગાઉનો ઝઘડો હોવાનું જણાવાયું છે. મહિલાએ મહેશસિંહ ઉપરાંત લખનસિંહ, ભરતસિંહ અને પૃથ્વીરાજસિંહ સામે મારપીટ, છેડતી તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી ધોરણસર કાર્યવાહી કરવાની માંગ કરી છે.