જામનગરમાં આખલા પકડવાની કામગીરી દરમિયાન હંગામો

જામનગર શહેરના સાંઢીયા પૂલ વિસ્તારમાં મંગળવારે સાંજે અંદાજે સવા સાત વાગ્યાના અરસામાં મહાનગરપાલિકાની ઢોર પકડવાની ટીમ એક નંદીને પકડવા માટે પહોંચી હતી. ટીમ દ્વારા દોરડાની…

જામનગર શહેરના સાંઢીયા પૂલ વિસ્તારમાં મંગળવારે સાંજે અંદાજે સવા સાત વાગ્યાના અરસામાં મહાનગરપાલિકાની ઢોર પકડવાની ટીમ એક નંદીને પકડવા માટે પહોંચી હતી. ટીમ દ્વારા દોરડાની મદદથી નંદીને પકડી ને વાહનમાં ચડાવ્યાબાદ કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન અચાનક નંદીનો એક પગ મહાનગરપાલિકાની ઢોર પકડવાની ગાડીની રેલિંગમાં ફસાઈ જતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અને આશરે 700 કિલો જેટલા વજનનો નંદી લાંબો સમય સુધી ઢોર પકડવાના વાહનની રેલિંગમાં લટકી રહ્યો હતો.

ઘટનાની જાણ થતાં ગોપ્રેમીઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. નંદી લાંબા સમય સુધી રેલિંગમાં ફસાઈ રહેતાં લોકોમાં ચિંતા વ્યાપી હતી, અને ઘટનાસ્થળે થોડા સમય માટે ભારે ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો.

અંતે ગૌરક્ષા અભિયાન સાથે જોડાયેલા આશુતોષ પાઠક તથા અન્ય ગૌ પ્રેમીઓ અને મહાનગરપાલિકાની ટીમે સ્થાનિક લોકોની મદદથી જે રેલિંગમાં નંદીનો પગ ફસાયો હતો, તે ભાગને તોડી નાખ્યો હતો. ત્યારબાદ સાવચેતીપૂર્વક નંદી ને બહાર કાઢીને તેને મુક્ત કરવામાં આવ્યો હતો. ભારે જહેમત અને ખેંચતાણના કારણે થાકી ગયેલો નંદી થોડો સમય રસ્તા પર જ બેસી ગયો હતો. તેના પગમાંથી ભારે રક્તસ્ત્રાવ થયો હતો, તેમ જ પગમાં એકથી વધુ ફેક્ચર પણ થઈ ગયા નું જાણવા મળ્યું છે.

ત્યારબાદ મહાનગરપાલિકાની ઢોર પકડવાની ટીમ નંદીને પકડ્યા વગર જ સ્થળ પરથી પરત ફરી હતી. ઘટનાસ્થળે હાજર કેટલાક ગોપ્રેમીઓએ નંદીની પ્રાથમિક સારવાર કરી હતી. ત્યારબાદ વધુ સારવાર માટે નંદીને નજીક ની ગૌશાળામાં લઈ જવા માટેની વ્યવસ્થા કરી હતી. અને એક વાહનમાં ચડાવી ગૌશાળામાં લઈ જવાયા હતા.

પ્રાથમિક સારવાર બાદ તેને પગમાં ત્રણથી વધુ ફેક્ચર થઈ ગયા નું જાણવા મળ્યું છે. જેને વધુ સારવાર માટે મોરબી ખસેડવામાં આવશે, અને નંદીનો પગ બચાવવા માટેના પ્રયત્નો ગૌપ્રેમીઓ દ્વારા કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે નંદી નો પગ વાહનમાં ફસાયો હતો અને માર્ગ પર લટકી રહ્યો હતો જે અંગેનો કેટલાક લોકોએ પોતાના મોબાઈલમાં વિડીયો બનાવ્યો હતો આજે વિડીયો શહેરમાં વાયરલ થયો હતો જેથી ગૌ પ્રેમીઓમાં કચવાર જોવા મળી રહ્યો છે.