Site icon Gujarat Mirror

વાસાવડ ગામે કૌટુંબિક જમાઈના બાઈક પાછળથી પડી જતાં મહિલાનું મોત

oplus_2097152

ભેંસાણના સાકરોડા ગામે મજૂરી કામ કરતાં માયાપાદર જતાં હતા ત્યારે બનાવ

ગોંડલ તાલુકાના વાસાવડ ગામ નજીક કૌટુંબીક જમાઈના બાઈક પાછળથી પડી જતાં મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

જાણવા મળતી વિગત મુજબ બયાબાઈ ઉર્ફે ગુડ્ડીબેન ભલુભાઈ ડાવર (ઉંમર વર્ષ 37, રહે. સાકરોડા ગામ, તા. ભેંસાણ) તા. 20 માર્ચે પોતાના કૌટુંબિક જમાઈ સુનિલના બાઈક પાછળ બેસીને ગોંડલના દેવડી નજીક આવેલ માયાપાદર ગામે જતા હતા. ત્યારે વાસાવડ ગામે પહોંચતા બાઈક પાછળ ગુડીબેન મગફળીનું પોટલું લઈને બેઠા હોય થોડોક અમથો રોદો આવતા મગફળીનું બાચકું પડી ગયું હતું અને સાથે ગુડ્ડી બેન પણ બાઈક ઉપરથી પડી ગયા હતા. તેને ચહેરા ઉપર અને માથામાં ગંભીર ઈજા થઈ હતી. તત્કાલ ગોંડલ સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલમાં દાખલ હતા જેનું આજે વહેલી સવારે સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. પરિવારે જણાવ્યું કે ગુડ્ડીબેનના પતિ હયાત નથી. તેમને સંતાનમાં 2 દીકરી અને 1 દીકરો છે.

પરિવાર મૂળ મધ્યપ્રદેશના વતની છે પરંતુ સૌરાષ્ટ્રમાં ખેત મજૂરી કરતા હોવાથી ગુડ્ડીબેન ગઈ સીઝનમાં ભેંસાણના સાકરોડામાં પોતાના ભાઈ સાથે રહીં ખેત મજૂરી કરતા. આ સીઝનમાં તેણે પોતાના જેઠના દીકરા જે ગોંડલના દેવડી પાસે માયાપાદરમાં વાડી વાવતા હોય ત્યાં મજૂરી કરવાનું નક્કી કર્યું હતું. જેથી સાકરોડાથી જમીનના માલિક સાથે હિસાબ કરીને હિસાબના પૈસા લઈને પોતે પોતાના કુટુંબિક જમાઈ સુનિલ સાથે બાઈક પાછળ બેસીને માયાપાદર આવતા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. ત્રણ સંતાને પિતા બાદ માતાની મમતા પણ ગુમાવતા નોંધારા થઈ જતા ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી.

Exit mobile version