IPL 2026 ની અડધાથી વધુ સફર પૂરી થઈ ગઈ છે, પરંતુ ચેન્નઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન એમએસ ધોની હજુ સુધી એક પણ મેચ રમ્યા નથી. ચાહકો માહીની વાપસીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યાં બીજી બાજુ તેની નિવૃત્તિ અને ’વિદાય મેચ’ અંગે અટકળો તેજ બની ગઈ છે. ધોનીના સાથી ખેલાડી રવિચંદ્રન અશ્વિને એક મોટો ખુલાસો કરતા જણાવ્યું છે કે, માહી આ સિઝનમાં માત્ર પોતાની ફેરવેલ મેચ (વિદાય મેચ) રમવા જ મેદાન પર ઉતરી શકે છે.
અશ્વિનનું માનવું છે કે ધોનીનું આ સિઝનમાં નિયમિતપણે રમવું હવે મુશ્કેલ લાગી રહ્યું છે. પોતાની યુટ્યુબ ચેનલ પર વાત કરતા આ પૂર્વ ભારતીય સ્પિનરે જણાવ્યું હતું કે, “જો ધોનીને પ્લેઈંગ ઈલેવનમાં લાવવો હોય તો ટીમના કોમ્બિનેશનમાં ફેરફાર કરવો પડશે, જેની શક્યતા અત્યારે ઘણી ઓછી છે.” વધુમાં અશ્વિને સ્પષ્ટ સંકેત આપ્યો કે, “જો આવનારી 2 કે 3 મેચોમાં ટીમ હારી જાય છે અને પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જાય છે, તો જ કદાચ ધોનીને તેની ફેરવેલ મેચ રમવાની તક મળી શકે છે.” હવે ફ્રેન્ચાઈઝી અને ધોની પોતે આ અંગે શું નિર્ણય લે છે તે જોવું ખરેખર રસપ્રદ રહેશે. ધોની પગની ઈજાના કારણે આ સિઝનમાંથી બહાર ચાલી રહ્યો છે. જ્યારે સિઝન શરૂૂ થઈ, ત્યારે 28 માર્ચના રોજ ચેન્નઈએ એક અપડેટ જાહેર કર્યું હતું. તેમાં કહેવામાં આવ્યું હતું કે માહીને ઈજામાંથી સાજા થવામાં 2 અઠવાડિયા જેટલો સમય લાગી શકે છે.
