મુંબઇ ઇન્ડિયન્સને ઝટકો, હાર્દિક પંડયા અને સૂર્યા વગર મેદાનમાં ઉતરશે ટીમ

રવિવારે રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે કરો યા મરોનો જંગ IPL 2026 ના પ્લેઓફમાં પહોંચવા માટે મુંબઈ ઈન્ડિયન્સ માટે હવે પછીની મેચો જીતવી અત્યંત જરૂૂરી છે.…

રવિવારે રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે કરો યા મરોનો જંગ

IPL 2026 ના પ્લેઓફમાં પહોંચવા માટે મુંબઈ ઈન્ડિયન્સ માટે હવે પછીની મેચો જીતવી અત્યંત જરૂૂરી છે. પરંતુ 10 મેના રોજ રાયપુરમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમાનારી કરો યા મરો મેચ પહેલા ટીમને મોટો ઝટકો લાગી શકે છે. ઈજાના કારણે કેપ્ટન હાર્દિક પંડ્યા અને અંગત કારણોસર સૂર્યકુમાર યાદવ આ મહત્ત્વની મેચ ચૂકી શકે છે. જો આ બંને સિનિયર અને મેચ-વિનર ખેલાડીઓ નહીં રમે, તો ટીમ મેનેજમેન્ટ માટે નવી પ્લેઈંગ ઈલેવન તૈયાર કરવી એક મોટો પડકાર બની જશે.

હાલમાં મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફના ઉંબરે ઊભી છે, જ્યાં એક પણ હાર તેમને ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાર્દિક પંડ્યા ઈજાના કારણે ટીમ સાથે રાયપુર પહોંચ્યો નથી. આ ઉપરાંત, એવા પણ અહેવાલો છે કે સૂર્યકુમાર યાદવ ટૂંક સમયમાં પિતા બનવાનો હોવાથી તે આ આગામી મેચમાંથી બ્રેક લઈ રહ્યો છે. આ બંને ખેલાડીઓની ગેરહાજરીમાં મુંબઈનું મિડલ ઓર્ડર થોડું નબળું પડી શકે છે. જોકે, મુંબઈ માટે સારા સમાચાર એ છે કે રોહિત શર્મા ફોર્મમાં પાછો ફર્યો છે. ગત મેચમાં રોહિત શર્મા અને રાયન રિકેલ્ટને લખનૌ સામે 143 રનની શાનદાર ઓપનિંગ ભાગીદારી નોંધાવી હતી. 3 નંબર પર તિલક વર્મા બેટિંગ કરવા આવશે. પણ મોટો પ્રશ્ન એ છે કે હાર્દિક અને સૂર્યાની જગ્યા કોણ લેશે? આ સિઝનની શરૂૂઆતમાં પંજાબ સામે 112 રનની સદી ફટકારનાર ક્વિન્ટન ડી કોકને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી શકે છે. જો ડી કોક ઓપનિંગ કરે તો બેટિંગ ઓર્ડરમાં થોડા ફેરફાર જોવા મળી શકે છે.

IPL ના નિયમ મુજબ મેદાન પર માત્ર 4 જ વિદેશી ખેલાડીઓ રમી શકે છે. આ સંજોગોમાં યુવા વિકેટકીપર-બેટ્સમેન રોબિન મિન્ઝ અથવા ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને મુખ્ય ટીમમાં સ્થાન મળી શકે છે. નોંધનીય છે કે શાર્દુલ અત્યાર સુધી મોટાભાગની મેચોમાં માત્ર ’ઈમ્પેક્ટ પ્લેયર’ તરીકે જ રમ્યો છે.