રાજકોટ મનપાના પાપે વધુ એક જીંદગી ખાડાના ખપ્પરમાં હોમાઇ ગઇ છે. ઘંટેશ્વરમાં રહેતા મહીલા સ્ટ્રીટલાઇટ વગરના રસ્તે રોડ લેવલથી ઉંચી ભુગર્ભ કુંડી સાથે અથડાતા ગંભીર રીતે ઘવાયા બાદ સારવાર દરમિયાન મૃત્યુ નિપજયું હતું. તંત્રના પાપે આ કંઇ એક કિસ્સો નથી. અત્યાર સુધીમાં માનપા સર્જિત બેદરકારીના કારણે અનેક લોકોના જીવ ગયા છે. તેની પાછળ જવાબદાર કોણ? અધિકારી, ઇજનેર કે કોન્ટ્રાકટર? કોઇ ખાતાકીય પગલા લેવાશે કે કેમ? તેવા સવાલો સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આગેવાન ડો.નિદત બારોટે સવાલ ઉઠાવી નિંભર તંત્રને ઢંઢોળ્યું છે.
ડો.નિદત બારોટે એક નિવેદનમાં જણાવ્યાનુસાર શહેરમાં નાગરિકોની સુરક્ષા અંગે એક પછી એક ગંભીર ઘટનાઓ સામે આવી રહી છે. કરોડો રૂૂપિયાના વિકાસકાર્યો વચ્ચે રસ્તાઓ, ગટર વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, સ્ટ્રીટ લાઈટ અને જાહેર પરિવહનની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.ઘંટેશ્વર વિસ્તારમાં ગટરની ચાર ફૂટ ઊંચી કુંડી સાથે બાઈક અથડાવાના કારણે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલાં 29 વર્ષીય મિતાલીબેન કેસરિયાનું મૃત્યુ થતા નવ મહિનાના બાળકે પોતાની માતા ગુમાવી છે. મહાનગરપાલિકાના અધિકારીએ ગટરની કુંડી રસ્તાની બાજુમાં હોવાનો બચાવ કર્યો છે.
પરંતુ સવાલ એ છે કે રસ્તાની બાજુમાં પણ ચાર ફૂટ ઊંચી કુંડી હોય તો તેની આસપાસ સુરક્ષાત્મક આડશ, ચેતવણી દર્શાવતું બોર્ડ અને પ્રકાશની વ્યવસ્થા કરવાની જવાબદારી કોની છે? નવેમ્બર 2025માં સોલવન્ટ રેલવે ક્રોસિંગ નજીક સિટી બસની અડફેટે આવેલા 65 વર્ષીય ભરતભાઈ અંબાસણાનું પણ સારવાર દરમિયાન અવસાન થયું હતું. આ પહેલાં 16 એપ્રિલ, 2025ના રોજ ઈન્દિરા સર્કલ ખાતે સિટી બસના અકસ્માતમાં ચાર નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા. તપાસમાં બસચાલકનું ડ્રાઇવિંગ લાઈસન્સ સમયમર્યાદા પૂર્ણ થઈ ગયેલું હોવાનું બહાર આવ્યું હતું.
આ તમામ ઘટનાઓ પછી રાજકોટના નાગરિકોને જાણવાનો અધિકાર છે કે મહાનગરપાલિકાએ જાહેર સુરક્ષા માટે કયા સુધારાત્મક પગલાં લીધાં છે અને જવાબદાર અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટરો સામે શું કાર્યવાહી કરી છે?
અહમ સવાલો
* છેલ્લા એક વર્ષમાં મહાનગરપાલિકા હસ્તકની સેવાઓ અને જાહેર માળખાકીય સુવિધાઓ સાથે સંકળાયેલા અકસ્માતોમાં કેટલા નાગરિકોએ જીવ ગુમાવ્યા છે?
* કેટલા અધિકારીઓ, ઈજનેરો અને કોન્ટ્રાક્ટરો સામે ફોજદારી ફરિયાદ કે ખાતાકીય કાર્યવાહી કરવામાં આવી છે?
* રસ્તાના ખોદકામ, ખુલ્લી ગટરો, ઊંચી કુંડીઓ અને અધૂરાં બાંધકામ પાસે સુરક્ષાત્મક વ્યવસ્થાનું નિરીક્ષણ કોણ કરે છે?
* સિટી બસ અને BRTS બસના ચાલકોનાં લાઈસન્સ, આરોગ્ય અને નશા અંગે નિયમિત તપાસ થાય છે કે કેમ?
* શહેરના તમામ પુલ, અંડરબ્રિજ અને ઓવરબ્રિજનું સ્ટ્રક્ચરલ તથા સેફ્ટી ઓડિટ છેલ્લે ક્યારે કરવામાં આવ્યું હતું?
* રાજકોટના ધારાસભ્યોએ નાગરિકોની સુરક્ષા અને આવા અકસ્માતો અંગે રાજ્ય સરકાર સમક્ષ કેટલી રજૂઆતો કરી છે? કયારે આ ધારાસભ્યોએ મહાનગરપાલિકાના કમિશનર અથવા પોલીસ કમિશ્નરે સાથે બેસી કમનસીબ ઘટનાઓની ચર્ચા કરી અને ખુલાસો પૂછ્યો ?
* અકસ્માતનો ભોગ બનેલા પરિવારોને વળતર આપવા માટે મહાનગરપાલિકાની કોઈ કાયમી નીતિ છે કે કેમ?
