જિલ્લા પંચાયતના નવા બિલ્ડિંગના બાંધકામમાં લોટ-પાણી-લાકડા!

રાજકોટ જિલ્લા પંચાયતના રૂૂ.36 કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલા નવા ભવનમાં બાંધકામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. બિલ્ડિંગનું કામ પૂર્ણ થાય તે પહેલાં…

રાજકોટ જિલ્લા પંચાયતના રૂૂ.36 કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલા નવા ભવનમાં બાંધકામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. બિલ્ડિંગનું કામ પૂર્ણ થાય તે પહેલાં જ કથિત ગેરરીતિ અને હલકી ગુણવત્તાના મટિરિયલના ઉપયોગનો પર્દાફાશ થયો છે. જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન સહિતના પદાધિકારીઓએ અચાનક સ્થળ મુલાકાત લેતાં બાંધકામમાં જૂના લોખંડના સળિયા, ઈંટોના કટકા અને પ્રતિબંધિત સિલિકા રેતીનો ઉપયોગ થતો હોવાના આક્ષેપો કર્યા હતા. આ મામલે સ્થળ પર જ માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી ઈજનેર સહિત કોન્ટ્રાક્ટરના માણસોનો ઉધડો લેવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, જિલ્લા પંચાયતના નવા ભવનનું બાંધકામ અંદાજે રૂૂ.36 કરોડના ખર્ચે કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટનો મુખ્ય કોન્ટ્રાક્ટ સુરતની ’એવરેસ્ટ બિલ્ડકોન’ કંપનીને આપવામાં આવ્યો છે. કંપની દ્વારા રાજકોટના ભાજપ અગ્રણી અને જિલ્લા પંચાયતના સભ્ય અલ્પનાબેન તોગડિયાના દિયર પ્રકાશ તોગડિયાને પેટા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જિલ્લા પંચાયતના પ્રમુખ સંજય પીપળિયા, ઉપપ્રમુખ સામત બાંભવા અને કારોબારી ચેરમેન નરસિંહ સોજીત્રાએ નવા ભવનની સરપ્રાઈઝ વિઝિટ કરી હતી. દરમિયાન બાંધકામમાં વપરાતી સામગ્રીની ગુણવત્તા તપાસતાં અનેક ક્ષતિઓ સામે આવી હોવાનો પદાધિકારીઓએ આક્ષેપ કર્યો હતો. બાંધકામમાં ભોગાવો રેતીને બદલે પ્રતિબંધિત સિલિકા રેતી, જૂના લોખંડના સળિયા તેમજ તૂટેલી ઈંટોના ટુકડાઓનો ઉપયોગ થતો હોવાનું ધ્યાન પર આવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સિવિલ અને ઇલેક્ટ્રિક કામમાં અંદાજે રૂૂ.10 કરોડના જથ્થા વધારાની દરખાસ્ત હાલ મંજૂરી હેઠળ છે. બાંધકામમાં સિલિકા રેતીનો ઉપયોગ કરી શકાય નહીં. આ મામલે હાલ નમૂનાઓ લેવામાં આવ્યા છે. જો લેબોરેટરી રિપોર્ટમાં સિલિકા રેતીનો ઉપયોગ સાબિત થશે તો કોન્ટ્રાક્ટરને દંડ ફટકારવામાં આવશે તેમજ જે ભાગમાં આવી રેતીનો ઉપયોગ થયો હશે તે બાંધકામ તોડીને ફરીથી કરાવવામાં આવશે.

સાઇટ ઉપરથી દારૂની બોટલો, બીયરના ટીન, બાઇટિંગ મળ્યા
રાજકોટમાં દારૂૂ પાર્ટીને લઈને ચાલી રહેલા વિવાદોનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. સરાઝા હોટલ દારૂૂ પાર્ટીનો વિવાદ હજુ માંડ શાંત પડ્યો છે, ત્યાં હવે રાજકોટની નિર્માણાધિન જિલ્લા પંચાયત કચેરી નવો વિવાદ સામે આવ્યો છે. ગત રોજ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા કરવામાં આવેલી સરપ્રાઈઝ મુલાકાત દરમિયાન ત્યાંથી ખાલી દારૂૂની બોટલો, ટીન અને બાઇટિંગની કોથળીઓ મળી આવતા અનેક સવાલો અને તર્કવિતર્ક સર્જાયા છે. નિર્માણાધિન જિલ્લા પંચાયતમાંથી ખાલી બોટલો મળવાની ઘટનાએ ગંભીર સ્વરૂૂપ ધારણ કર્યું છે. આ મામલે સ્થાનિક સ્તરે અને તંત્રમાં ભારે ચર્ચા જાગી છે કે નિર્માણાધિન કચેરીમાં દારૂૂની બોટલો ક્યાંથી અને કેવી રીતે આવી, તેમજ કોની બેદરકારી કે સંડોવણીથી આ સ્થિતિ સર્જાઈ છે.

સમય મર્યાદા પૂર્ણ થવા આવી હોવા છતા માત્ર 65 ટકા બાંધકામ પૂર્ણ થયું છે
બીજી તરફ, પ્રોજેક્ટની સમયમર્યાદા પૂર્ણ થવા આવી હોવા છતાં અત્યાર સુધીમાં માત્ર 65 ટકા જેટલું જ કામ પૂર્ણ થયું છે, જ્યારે હજુ 35 ટકા કામ બાકી હોવાનું સામે આવ્યું છે. આ બાબતે કાર્યપાલક ઈજનેર એસ.આર. પટેલે જણાવ્યું હતું કે, કોન્ટ્રાક્ટરની મુદત પૂર્ણ થઈ ગઈ હોવાથી વિલંબ બદલ અંદાજે રૂૂ.15 લાખની રકમ કાપી લેવામાં આવી છે.