રાજકોટ પીસીબી દ્વારા ગેરકાયદે હથિયારો વેચતી ’વેપન કાર્ટેલ’ સામે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશમાં વધુ એક સફળતા મળી છે. પીસીબીની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને વધુ 4 જીવલેણ હથિયારો સાથે બે શખ્સોની ધરપકડ કરી છે, જેમાં મોટું રાજકીય કનેક્શન બહાર આવ્યું છે. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ માસુમબેન બારૈયાનો પુત્ર જીલુ ભૂપતભાઈ બારૈયા અને અને સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના કોરડા ગામનો રૂૂતુરાજ અનકભાઈ ખાચર (ઉંમર વર્ષ 21)ની ધરપકડ કરી બે દેશી તમંચા અને એક દેશી બનાવટની પિસ્તોલ કબજે કરી હતી.જીલુ બારૈયા પોતે ભાજપનો એક સક્રિય સભ્ય છે.
પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા આપવામાં આવેલી કડક સૂચનાઓને પગલે પીસીબીની ટીમને વધુ એક સફળતા મેળવી છે. પી.સી.બી. પી.આઈ એમ.આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી તપાસમાં, ગેરકાયદેસર હથિયારોના વેચાણ સાથે સંકળાયેલી કુખ્યાત “વેપન કાર્ટેલ” ના વધુ બે સાગરીતોને હથિયારોના જથ્થા સાથે દબોચી લેવામાં આવ્યા છે. જીલુએ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ માસુમબેન બારૈયાનો પુત્ર છે અને પોતે ભાજપનો એક સક્રિય સભ્ય છે.
આ અગાઉ પી.સી.બી. દ્વારા આ કાર્ટેલના 11 ઇસમોને 24 હથિયારો અને 32 જીવતા કારતૂસ સાથે પકડી પાડવામાં આવ્યા હતા. આ નવીનતમ ધરપકડ સાથે, ગેરકાયદેસર હથિયારોના આ મસમોટા નેટવર્કમાં અત્યાર સુધીમાં કુલ 13 ઇસમોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે અને તેમની પાસેથી કુલ 28 દેશી બનાવટના હથિયારો તેમજ 32 જીવતા કારતૂસ રિકવર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર સફળ ઓપરેશનને પી.સી.બી. પી.આઈ. એમ.આર. ગોંડલીયા, પી.એસ.આઈ. પી.બી. ત્રાજીયા, આર.કે. જાડેજા તથા પી.સી.બી. સ્ટાફના મયુરભાઈ પાલરીયા, સંતોષભાઈ મોરી, મહીપાલસિંહ ઝાલા, અને હરદેવસિંહ રાઠોડ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.
