‘અમે દંડ નહીં ભરીએ, તમે લોક ખોલી આપો’, ટ્રાફિક પોલીસની કાર્યવાહી સામે બે શખ્સોની ધમાલ

રાજકોટ શહેરના એસ્ટ્રોન નાલા પાસે નો-પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલી કારને લોક કરવા જેવી સામાન્ય બાબતે બે શખ્સોએ મહિલા પોલીસ હેડ કોન્સ્ટેબલ અને તેમની ટીમ સાથે…

રાજકોટ શહેરના એસ્ટ્રોન નાલા પાસે નો-પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલી કારને લોક કરવા જેવી સામાન્ય બાબતે બે શખ્સોએ મહિલા પોલીસ હેડ કોન્સ્ટેબલ અને તેમની ટીમ સાથે ઉગ્ર બોલાચાલી કરી, ગાળો આપી કાયદેસરની ફરજમાં રુકાવટ ઊભી કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે રાજકોટ શહેરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ પરના મહિલા પોલીસકર્મી રજનીબેન સાગઠીયાએ વનરાજભાઈ કુવાડિયા અને ભરતભાઈ નામના બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસ અહેવાલ મુજબ, આ ઘટના તારીખ 16 એપ્રિલ 2026ના રોજ બપોરના સમયે બની હતી, જ્યારે ટ્રાફિક શાખાની ટીમ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.

ઘટનાની વિગત એવી છે કે, ફરિયાદી રજનીબેન અને તેમની ટીમ પ્રાઈવેટ ક્રેન સાથે એસ્ટ્રોન ચોક પાસે પેટ્રોલીંગમાં હતા ત્યારે એક સફેદ કલરની હુન્ડાઈ એક્સટર કાર (નંબર GJ-03-PR-3736) નો-પાર્કિંગ ઝોનમાં જોવા મળી હતી. નિયમ મુજબ પોલીસે આ કારના વ્હીલમાં લોક લગાવી દીધું હતું. થોડીવાર પછી કાર માલિક વનરાજભાઈએ ફોન કરીને પોલીસને સ્થળ પર બોલાવ્યા હતા. જ્યારે પોલીસ ટીમ ત્યાં પહોંચી ત્યારે આરોપીઓએ દંડ ભરવાનો ઈન્કાર કરી દીધો હતો અને ’અમે દંડ નહીં ભરીએ, તમે લોક ખોલી આપો’ તેમ કહી જીભાજોડી શરૂૂ કરી હતી.

તકરાર વધતા આરોપીઓએ આક્રમક વલણ અપનાવ્યું હતું. વનરાજભાઈએ ક્રેન આડે ઊભા રહીને રસ્તો રોક્યો હતો, જ્યારે ભરતભાઈ નામનો શખ્સ રસ્તા પર સૂઈ ગયો હતો અને લોક ન ખોલે ત્યાં સુધી હટવાની ના પાડી રાડા-રાડી કરવા લાગ્યો હતો. જાહેરમાં હોબાળો થતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા, જેના પગલે પોલીસે 112 નંબર પર ફોન કરી મદદ બોલાવવી પડી હતી. આખરે દંડની રકમ વસૂલ્યા બાદ લોક ખોલવામાં આવ્યું હતું. હાલ એ-ડિવિઝન પોલીસે બી.એન.એસ. કલમ 221, 352 અને 285 હેઠળ ગુનો નોંધી હેડ કોન્સ્ટેબલ રવિભાઈ બાવળવાને તપાસ સોંપી છે.