રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ વિસ્તારોમાં નાગરિકોને સમાન અને નિયમિત પાણી પુરવઠો મળી રહે તે માટે સતત દેખરેખ અને મોનિટરિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પાણી વિતરણ દરમિયાન કેટલાક લોકો દ્વારા ગેરકાયદેસર રીતે મોટરનો ઉપયોગ કરી પાણી ખેંચી લેવાની પ્રવૃત્તિઓના કારણે અન્ય નાગરિકોને પૂરતું પાણી મળવામાં મુશ્કેલીઓ ઉભી થતી હોય છે. આવી ગેરરીતિઓ અટકાવવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સમયાંતરે વિશેષ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવે છે.
આ સંદર્ભે વોર્ડ નં. – 11 વિસ્તારમાં પાણી વિતરણના સમય દરમિયાન રાજકોટ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી તથા સિટી એન્જિનિયર કુંતેશ મહેતાના માર્ગદર્શન હેઠળ અધિકારીઓની ટીમ દ્વારા સ્થળ પર વિશેષ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન કેટલાક રહેણાંક વિસ્તારોમાં પાણીની લાઇન પર ગેરકાયદેસર રીતે મોટર મુકીને પાણી ખેંચવામાં આવતું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. તપાસ દરમિયાન ગીરનાર સોસાયટીમાં ગોવિંદભાઇ મનુભાઇ સબાડ, ગીરીશભાઇ કાલાભાઇ ટાટમીયા તથા પ્રફુલભાઇ ગોવિંદભાઇ ભરડવા પાણીચોરી કરતા ઝડપાયા હતા.
ઉપરોક્ત આસામીઓ દ્વારા જાહેર પાણી વિતરણ વ્યવસ્થામાં અવરોધ ઉભો કરી ગેરકાયદેસર રીતે મોટર વડે પાણી ખેંચવામાં આવતું હોવાનું માલુમ પડતાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તેઓ સામે કાર્યવાહી હાથ ધરી કુલ રૂૂ. 2,000/-નો વહીવટી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે કે પાણી વિતરણ દરમિયાન મોટર, પંપ અથવા અન્ય કોઈપણ સાધન દ્વારા ગેરકાયદેસર રીતે પાણી ખેંચવાની પ્રવૃત્તિઓથી દૂર રહેવું. મહાનગરપાલિકા દ્વારા પાણી ચોરી અને ગેરરીતિઓ સામે આગામી દિવસોમાં પણ વિવિધ વિસ્તારોમાં અચાનક ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવશે અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક વહીવટી કાર્યવાહી કરવામાં આવશે.
