Site icon Gujarat Mirror

રાજકોટમાં મતદાનની પેટર્ન યથાવત, છતાં ક્રોસ વોટિંગનો ફૈડકો

સતાધારી પક્ષને આંતરિક નારાજગીનો ભય, કોંગ્રેસને નાણાની તંગી અને ‘આપ’ને કાર્યકરોની ઓટ વચ્ચે સૌને વિજયનો આશાવાદ

જ્ઞાતિવાદના ફેકટર અને SIRની આંધી વચ્ચે દોઢ ડઝન બેઠકો ઉપર પરિણામો ઉંધા-ચતા આવવાની અગમવાણી

રાજકોટ મહાનગરપાલિકાની 18 વોર્ડની 72 બેઠકોની સામાન્ય ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ છે અને ધગધગતા તાપ વચ્ચે પણ 51.60 ટકા મતદાન નોંધાયું છે. જે 2021ની ચૂંટણી કરતાં 0.87 ટકા વધુ છે. મતલબ કે મતદાનની પેટર્ન યથાવત રહી છે. પરંતુ પ્રથમ વખત ભાજપ-કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખીયો જંગ તથા મહિલા અનામત બિલનો પ્રચાર છતાં મતદાનમાં કોઈ વધારો થયો નથી અને અમુક વોર્ડમાં ઓછુ તથા અમુક વોર્ડમાં વધુ મતદાન થતાં રાજકીય નિષ્ણાંતો પણ ગોટે ચડયા છે અને ઉમેદવારોની ઉંઘ હરામ થઈ ગઈ છે.

કોઈપણ લહેર વગર લડાયેલી આ ચૂંટણીમાં ભાજપને એન્ટી ઈન્કમ્બસી નડે તો પણ 40 થી 45 બેઠકો મળવાનો ભાજપના નિષ્ણાંતોનો દાવો છે અને જો કોંગ્રેસ અને આપે એક બીજાના મત કાપ્યા હોય અને ભાજપના વોટ અકબંધ રહ્યા હોય તો ભાજપની બેઠકોનો આંકડો 68 થી 70 સુધી પહોંચવાનો દાવો છે.

જ્યારે છેલ્લી ચૂંટણીમાં 4 બેઠકોએ અટકી ગયેલી કોંગ્રેસને આ વખતે 14 બેઠકો સુધી મળી શકે તેમજ આમ આદમી પાર્ટી પણ 4 થી માંડી બે આંકડા સુધી બેઠકો મેળવી શકે તેવી આગાહી રાજકીય પંડિતો કરી રહ્યાં છે જો કે બધુ ‘જો અને તો’નું જ ગણિત છે.

સાચો ખ્યાલ તો આવતીકાલે ઈવીએમ ખુલે પછી જ આવી શકશે. આ ચૂંટણીમાં પ્રથમ વખત ભાજપ માટે માઈનસ પોઈન્ટ અનેક છે પરંતુ કોંગ્રેસ અને આપમાં મતોનું આંતરિક વિભાજન થયું હોય તો ભાજપને મોટો ફાયદો મળી શકે છે.

ભાજપ માટે નેગેટિવ પોઈન્ટ
આ ચૂંટણીમાં ભાજપ માટે નેગેટિવ પોઈન્ટ અનેક છે. સૌથી મોટો નેગેટીવ પોઈન્ટ છેલ્લી બોડીના શાસકો સામેની નારાજગી છે. આ ઉપરાંત ટિકીટ વહેંચણીમાં ભાઈ-ભત્રીજા અને મામકાવાદના કારણે કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી હતી. આ સિવાય મામકાઓને સાચવવામાં જ્ઞાતિવાદનું સંતુલન વિખાઈ ગયું હતું અને ભાજપની વોટ બેંક ગણાતા પાટીદાર, લોહાણા, બ્રાહ્મણ સહિતની જ્ઞાતિઓમાં ભારે નારાજગી પ્રવર્તતી હતી. જેના કારણે ક્રોસ વોટીંગનો મોટો ભય છે.

આ ચૂંટણીમાં પ્રથમ વખત ભાજપ જ ભાજપને પાડી દેવાની લાઈનમાં હોય તેવું વાતાવરણ હતું. ભાજપમાં બધાને સાથે બેસાડી શકે તેવા વિજયભાઈ જેવા નેતાની ખોટ સ્પષ્ટ દેખાતી હતી જેના કારણે જુથવાદ સતત હાવી રહ્યો. અમુક પૈસાદાર લોકો વગથી ટિકીટો લાવવામાં સફળ થતાં કાર્યકરોમાં નિરાશા અને નારાજગી જોવા મળી હતી અને મતદાન પુરૂ થયું ત્યાં સુધી આ ઘુંઘવાટ જોવા મળ્યો હતો.

ભાજપ માટે પ્લસ પોઈન્ટ
ભાજપ માટે પ્લસ પોઈન્ટમાં કોંગ્રેસ-આપની આંતરીક લડાઈ છે. આમ આદમી પાર્ટીએ 72માંથી 69 બેઠકો ઉપર ઉમેદવારો ઉભા રાખી સ્પર્ધાને તિવ્ર બનાવી હતી. પરંતુ આ સ્પર્ધામાં કોંગ્રેસની વોટ બેંક તૂટે તો ભાજપને મોટો ફાયદો મળી શકે છે. કોંગ્રેસનાં મતોના વિભાજન ઉપર ભાજપનો મોટો મદાર રહેલા છે. આ ઉપરાંત ભાજપના નારાજ મતોનું પણ કોંગ્રેસ-આપમાં વિભાજન થયું હોય તો ભાજપને ફાયદો મળી શકે છે.

Exit mobile version