ગાંધીનગર મહાનગરપાલિકા સહિત રાજ્યની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ખાલી પડેલી બેઠકો માટેનો ચૂંટણી પ્રચાર પૂર્ણ થયા બાદ હવે આવતીકાલે સવારથી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ગાંધીનગર મનપા ઉપરાંત ઓખા અને થરા નગરપાલિકા તેમજ અન્ય પંચાયતોની પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકો પર પ્રતિષ્ઠાનો જંગ જામશે. ચૂંટણી પંચ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં મતદાન સંપન્ન થાય તે માટે તૈયારીઓ આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમાં રસાકસીભર્યો માહોલ જોવા મળી રહ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકા, ઓખા અને થરા નગરપાલિકા મળીને કુલ 31 વોર્ડની 109 બેઠકો પર મતદાન યોજાશે.આ ચૂંટણીમાં કુલ 3,38,700 મતદારો પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરીને ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય ઈવીએમમાં સીલ કરશે.મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે કુલ 387 મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે.
ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા કર્મચારીઓ અને સુરક્ષા જવાનોને ફરજ સોંપી દેવાઈ છે. તમામ મતદાન મથકોનું સંચાલન કરવા માટે કુલ 2,227 જેટલા પોલિંગ સ્ટાફ અને ચૂંટણી અધિકારીઓ ખડેપગે રહેશે. મતદાન માટે 964 બેલેટ યુનિટ (BU) અને 506 કંટ્રોલ યુનિટ (CU) કાર્યરત કરવામાં આવ્યા છે. સંવેદનશીલ બૂથો પર વધારાના રિઝર્વ મશીનો અને ટેકનિકલ ટીમો પણ તૈનાત રહેશે.
મતદાન મથકો અને તેની આસપાસના સંવેદનશીલ વિસ્તારોમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા સઘન પેટ્રોલિંગ અને સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. વહીવટી તંત્ર દ્વારા તમામ મતદારોને નિર્ભય બનીને ઉત્સાહપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. આવતીકાલે મતદાન પૂર્ણ થયા બાદ મતોની ગણતરી હાથ ધરાશે.
