Site icon Gujarat Mirror

ચૂંટણીમાં વોટર પાલિટિક્સ, માગો એટલે ટેન્કર હાજર!

મતદારોને રાજી કરવા નેતાજી ઓર્ડર કરે કે તરસ છીપાવવા કોર્પોરેશનનું ટેન્કર દોટ મૂકે

હાઇરાઇઝ-લોરાઇઝ-બિલ્ડિંગોમાં ચૂંટણી ટાણે પાણીની તંગી દૂર, મતદારો રાજીના રેડ

જૂના જોગીઓના પતા કાપીને નવા ઉમેદવારો મુકવા, અમુક આયાતી ઉમેદવાર હોવાથી વોર્ડના સ્થાનિક સંગઠનમાં નારાજગી સહિતના પરિબળ વચ્ચે ભાજપમાં ક્યાંકને કયાંક પેનલ તૂટવાની ભય વચ્ચે વોટબેંકનું ડેમેજ ક્ધટ્રોલ કરવા પાણીને પણ બનાવાયો હથકંડો

રાજકોટ ચૂંટણી આવી રેવડી લાવી! મતદારોને રિઝવવા વચનોની થઇ લ્હાણી..! રાજકોટમાં હાલ કંઇક આવો જ સિનારિયો જોવા મળી રહ્યો છે. મત મેળવવા માટે રાજકીય પક્ષો કોણીએ ચોપડવા માટે ગોળના ગાડા ઠલવી રહ્યા છે. બીજબાજુ સતાપક્ષ ભાજપ વર્ષોથી મહાનગરપાલિકામાં રાજ કરે છે. રાજકોટ એ ભાજપનો ગઢ છે. આમ છતા પ્રવર્તમાન વાયરો ભાજપને ક્યાકને ક્યાક મુંઝવી રહ્યો છે કારણ અનેક છે. જૂના જોગીઓના પતા કાપીને નવા ઉમેદવારો મુકવા, જેમા અમુક આયાતી ઉમેદવાર હોવાથી વોર્ડના સ્થાનિક સંગઠનમાં નારાજગી સહિતના પરિબળ વચ્ચે ભાજપમાં ક્યાંકને કયાંક પેનલ તૂટવાની ભય છે. આવી સ્થિતિમાં મતદારોને આકર્ષવા માટે શક્ય તમામ પ્રયાસો થઇ રહ્યા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન તાવા-ભજિયા પાર્ટી, જમણવારના વર્ષોથી થતા ‘ફૂડ પોલીટીક્સ’ની સાથે હવે ‘વોટર પોલીટીક્સ’નો હથકંડા પણ અજમાવવામા આવ્યો હોવાનું સામે આવ્યુ છે.

ઉનાળાની કાળજાળ ગરમીમાં જ ચૂંટણી આવી છે. શહેરની તરસ છીપાવતા ઘરઆંગણેના આજી-1 અને ન્યારી-1 ડેમ તો નર્મદામૈયાએ વગર વરસાદે છલકાવી દીધા છે. પણ ઉનાળાના આ દિવસોમાં પાણીના તળ ઉંડા ઉતરી ગયા છે. ખાસ કરીને વિકસિત એવા ન્યૂ રાજકોટમાં જ્યા મીની ટાઉન જેવી વસતી હોય તેવા વિસ્તારના હાઇરાઇઝડ બિલ્ડીંગોમાં બોર ડૂકી ગયા છે. વપરાશ માટેના પાણીના ફાંફા થવા લાગ્યા છે. ત્યારી ભાજપે સંભવિત વોટબેંક ડેમેજને ક્ધટ્રોલ કરવા માટે ‘વોટર પોલીટીકસ’નો પણ સહારો લીધો હોવાનું જાણવા મળી રહ્યુ છે. સૌ કોઇ જાણે છે કે પાણી એ વોટબેંકનો મોટો પટારો છે. એટલા માટે જે વિસ્તારમાં મનપાના ટેન્કર દોડી રહ્યા છે ત્યા ઓન પેપર નહીં પણ ‘ઓફ પેપર’ બીનહિસાબી ફેરા વધારી દેવામા આવ્યા છે.

મનપાની વોટર વકર્સ શાખામાંથી જ આ સચોટ માહિતી બહાર આવી છે. જ્યા ટેન્કર ફાળવવામા આવ્યા છે એ વિસ્તારમાંથી ચૂંટણી લડતા ઉમેદવારે પાર્ટી હસ્તક મનપામાંથી બીનહિસાબી ફેરા વધારાવી દીધા હોવાનું કહેવાય છે.

કડવી વાસ્તવિકત્તા, રાજકોટમાં 65 હજાર લોકો જીવે છે ટેન્કર યુગમાં

‘માનવી ત્યાં સુવિધા, છેવાડાના વિસ્તારનો વિકાસ!’ રાજકોટની સ્થાનિક નેતાગીરી ખાસ કરીને સતા ઉપર જે બેઠા છે એ નેતાઓ ચૂંટણીના દિવસોમાં કે પછી તક મળે ત્યાંરે જનતાને ઠાલા વચનો આપીને મુર્ખ બનાવવાની એક પણ તક મુકતા નથી. ખાસ કરીને પ્રજાની પ્રાથમિક જરૂૂરિયાત પૈકી પાણીને લઇને તો વચનોની લ્હાણી કરવામા કંઇ બાકી રખાતુ નથી ત્યાંરે એક કમનસીબી એ પણ છે કે, ખુદ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂૂપાણીના હોમટાઉન રાજકોટમાં આજની તારીખે પણ 75 હજારથી વધુ લોકો ટેન્કર યુગમાં જીવે છે. મહાપાલિકામાં ભળેલા કોઠારિયા, વાવડી, માધાપરથી રોણકી તરફ જતી સંખ્યાબંધ સોસાયટીઓમાં, તો સામાકાંઠે સ્લમ વિસ્તારોમાં પાણીની પાઇપલાઇનના અભાવે ટેન્કરથી પાણી વિતરણ કરવામા આવે છે. એ પણ ક્યાંક એકાંતરા તો ક્યાંક દર ચાર દિવસે ટેન્કર આવે છે.

‘કમલમ્’માંથી મનપાને કડક આદેશ!
ગમે તેવી ટેક્નિકલ ક્ષતિ સર્જાય તો પણ પાણીકાપ મુકાવો ન જ જોઇએ
પાણીનો મુદ્દો એવો છે કે ગમે તેવો ખીલ્લો ધરબીને જમાવેલુ શાસન પણ ડગમગી જાય. ભુતકાળમાં મનપામાં થયેલુ બોર કૌભાંડ સૌેને ખબર જ છે ત્યારે પ્રવર્તમાન ચૂંટણીમાં પેનલ ન તુટે ભયસ્થાન ખાડવા તમામ સ્તરે પ્રયાસ થાય છે. ત્યાં સુધી કે મતદાનના દિવસ સુધીમાં પાણી વિતરણ વ્યવસ્થામાં ગમે તેવી ટેકનીકલ ક્ષતિ સર્જાય તો પણ કોઇપણ ભોગે મેનેજમેન્ટ કરી લેવું. બાકી પાણી કાપ તો આવવો ન જ જોઇએ તેો કડક આદેશ મનપાની વોટર વર્કસ શાખાને કમલમમાંથી આવ્યો હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

આટલા ફ્લેટમાં જાય છે મનપાના પાણીના ટેન્કર
રંગોલી પાર્ક આવાસ યોજનામાં 1164 ફ્લેટ ધારકોને 35 ટેન્કર
ગોકુલમ હાઉસિંગ કો. ઓ. સોસાયટીના 200 ફ્લેટ ધારકોને છ
હિલટોન બીલેવ્યુના 56 ફ્લેટ ધારકોને બે ટેન્કર
કૈલાશપાર્કના 28 ફ્લેટ ધારકોને એક ટેન્કર
સવન સ્ટેટસ ફ્લેટ્સના 176 ફ્લેટ ધારકોને છ ટેન્કર
આદર્શ ટાવર હાઉસિંગ સોસાયટીના 27 ફ્લેટ ધારકોને એક ટેન્કર
શ્રી હાઉસિંગ કો. ઓ. સોસાયટીના 224 ફ્લેટ ધારકોને સાત ટેન્કર
એક્વાબ્લ્યુ એન્ટરપ્રાઈઝના 88 ફ્લેટ ધારકોને 3 ટેન્કર દ્વારા
તપોવન રેસિડેન્સીના 30 ફ્લેટધારકોને એક ટેન્કર
ધ ટેમ્પલ ક્લબના 48 ફ્લેટ ધારકોને પાંચ પાંચ હજાર લીટરના બે ટેન્કર
વોર્ડ નં.11માંજ અલગ અલગ વિસ્તારોમાં આવેલા છ ફ્લેટ અને હાઇરાઈઝ્ડ બિલ્ડિંગોના 266 ફ્લેટ ધારકોને પણ પાંચ હજાર લીટરના નવ ટેન્કરો
વ્હાઇટ હેવનના 48 ફ્લેટ ધારકોને બે ટેન્કર
ગ્રીન ફિલ્ડ ગાર્ડન ટાવર એ અને બી ના 52 ફ્લેટ ધારકોને બે ટેન્કર
ગ્રીન ફિલ્ડ ટાવર એ અને સી ના 26 ફ્લેટ ધારકોને એક ટેન્કર દ્વારા, અમી વર્ષા અને આસો પાલવ સોસાયટીના 112 ફ્લેટ ધારકોને 4 ટેન્કર
નારાયણનગર પ્લોટ હોલ્ડર્સના 18 રહેવાસીઓને એક ટેન્કર
સન સિટી રેસિડન્સી અને ડાયમંડ પાર્કના 10 ફ્લેટ ધારકોને પાંચ હજાર લીટરના એક ટેન્કર

Exit mobile version