જામનગર શહેરના ઢોલીયાપીર દરગાહ નજીક તાજિયા દરમિયાન થયેલી બોલાચાલી હિંસક અથડામણમાં પરિણમતા બંને પક્ષે એકબીજા સામે ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે. બનાવમાં અનેક લોકોને ઇજાઓ પહોંચતાં તેઓને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસે બંને પક્ષની ફરિયાદોના આધારે અલગ-અલગ ગુનાઓ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસમાં નોંધાયેલી પ્રથમ ફરિયાદ મુજબ બાઇની વાડી વિસ્તારમાં રહેતા ગોપાલભાઈ કીશનભાઈ પરમારે જણાવ્યું છે કે તેઓ તાજિયા જોવા માટે ઢોલીયાપીર દરગાહ પાસે ગયા હતા. તે દરમિયાન અહેમદ રજા મહમદહુસેન નાઈએ તેઓ અન્ય વ્યક્તિઓ સાથે કામે કેમ જાય છે તે મુદ્દે બોલાચાલી કરી, અનુસૂચિત જાતિને અપમાનિત કરતા શબ્દો ઉચ્ચાર્યા હોવાનો તેમજ છરી વડે હુમલો કરીને ચહેરા અને હાથમાં ગંભીર ઇજાઓ પહોંચાડ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદમાં આરોપીના પિતા મહમદહુસેન નાઈએ પણ હુમલામાં ભાગ લીધો હોવાનો, બંનેએ ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઇજાગ્રસ્તને જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ચહેરા અને હાથમાં ટાંકા લેવા પડ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
બીજી તરફ અહેમદરજા મહમદહુસેન નાઈએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તાજિયા દરમિયાન આરીફ જુમા ખફી સહિતના લોકો સાથે બોલાચાલી બાદ તેમના પર લાકડાના ધોકાથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં તેમના પિતા મહમદહુસેનને પણ માર મારવામાં આવ્યો હતો, જેમાં તેમને હાથ અને પગમાં ફ્રેક્ચર જેવી ઇજાઓ થઈ હોવાનું જણાવાયું છે. ફરિયાદમાં પત્ની નર્મદાબેન સાથે પણ મારામારી અને હડધૂત કરવામાં આવી હોવાનો, તેમનો ઝભ્ભો ખેંચી અપમાનિત કરવામાં આવ્યા હોવાનો, મોબાઇલ ફોન ઝૂંટવી લેવાયા હોવાનો તેમજ સોનાની ચેઇન ખેંચી લેવામાં આવી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. ઉપરાંત પત્નીને અનુસૂચિત જાતિ અંગે અપમાનજનક શબ્દો બોલવામાં આવ્યા હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે.
આ સમગ્ર ઘટનામાં બંને પક્ષે એકબીજા સામે જાનથી મારી નાખવાના પ્રયાસ, મારામારી, ધમકી, લૂંટ, હડધૂત તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ કાયદા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનાઓ નોંધાયા છે. પોલીસે બંને ફરિયાદોના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર બનાવ અંગે વધુ તપાસ શરૂૂ કરી છે.
