જામનગર તાલુકા વિસ્તારમાં પદયાત્રા દરમિયાન એક વૃદ્ધ સંન્યાસીની સાયકલમાંથી રોકડ રકમ અને સામાનની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે. જેથી સનાતનીઓમાં રોષ ફેલાયો છે.
ફરિયાદી સકારામજી મંગનાજી ચૌહાણ (ઉ.વ. 76), મૂળ રાજસ્થાનના બાલોતરા જિલ્લાના અસાડા ગામના રહેવાસી અને સંન્યાસી જીવન જીવતા હોવાનું જણાવ્યું છે. તેઓ દ્વારકાની પદયાત્રા માટે પોતાના ગામેથી ત્રણ પૈડાવાળી સાયકલ સાથે નીકળ્યા હતા. જેઓ રાજસ્થાનથી ચાર પગે ચાલીને પોતાની માનતા ઉતારવા માટે દ્વારકાધીશના ચરણે શીશ ઝુકાવવા માટે જઈ રહ્યા છે.
ફરિયાદ મુજબ, તા. 25.6.2026ના રોજ તેઓ જામનગરના બેડ ટોલનાકા નજીક આવેલી ખોડલ હોટલ ખાતે રોકાયા હતા. ત્યારબાદ તા. 26ના રોજ વહેલી સવારે પદયાત્રા શરૂૂ કરી જામનગર-ખંભાળિયા હાઈવે પર બેડ નદી નજીક આવેલા બાપા સીતારામની મઢુલી પાસે પહોંચ્યા હતા. ત્યાં તેમણે પોતાની સાયકલ અને સામાન રોડની બાજુમાં મૂકી સામે આવેલા મંદિરમાં અગરબત્તી અને પૂજા માટે ગયા હતા.
આ દરમિયાન એક અજાણ્યો વ્યક્તિ તેમની સાયકલ પાસે આવી ભેટ સ્વરૂૂપે રૂૂ.50 આપીને વાતચીત કરવા લાગ્યો હતો. ત્યારબાદ તે વ્યક્તિ સાયકલ તરફ ગયો હતો, જ્યાં અન્ય બે વ્યક્તિઓ પણ હાજર હતા. ફરિયાદી પૂજા પૂર્ણ કરીને પરત ફર્યા ત્યારે ત્રણેય શખ્સો મોટરસાયકલ પર જતા રહ્યા હતા.
સાયકલ પાસે પહોંચી તપાસ કરતા કપડાં, સાલ અને આધારકાર્ડ સહિતના દસ્તાવેજો ભરેલો થેલો તેમજ સાયકલની પાછળ લગાવેલી પતરાની પેટીમાં રાખેલા ભેટ-સોગાત રૂૂપે મળેલા આશરે રૂૂપિયા 50,000 થી રૂૂ.60,000 રોકડા ગાયબ હોવાનું જણાયું હતું. આ અંગે અજાણ્યા ત્રણ શખ્સો સામે ચોરીનો ગુનો નોંધાવી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર બનાવમા સિક્કા પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ કરી રહી છે, અને આરોપીઓને શોધવા માટે અલગ અલગ સીસીટીવી કેમેરા વગેરેની મદદ લેવામાં આવી રહી છે.
