રાષ્ટ્રીય

કર્ણાટકનાં માંડ્યામાં ગણેશ વિસર્જન દરમિયાન સાંપ્રદાયિક હિંસા, ટોળાએ દુકાનોમાં કરી તોડફોડ,વાહનોમાં લગાવી આગ

Published

on

કર્ણાટકના મંડ્યાના નગમંગલામાં ગણેશ વિસર્જન દરમિયાન સાંપ્રદાયિક હિંસાની ઘટના બની હતી. બંને સંપ્રદાયો વચ્ચેનો સંઘર્ષ એટલો વધી ગયો કે પરિસ્થિતિ ખૂબ જ તંગ બની ગઈ હતી. તોફાનીઓએ પેઇન્ટની દુકાનો, બાઇક શોરૂૂમ અને કપડાની દુકાનો સહિત અનેક દુકાનોને આગ લગાવી દીધી હતી, જેના કારણે તે સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ હતી.


રસ્તાઓ પર પાર્ક કરેલી મોટરસાયકલોને પણ નિશાન બનાવીને આગ ચાંપી દેવામાં આવી હતી, જેનાથી તણાવમાં વધારો થયો હતો અને બે સમુદાયો વચ્ચે હિંસા થઈ હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરી દીધું છે અને બીએનએસની કલમ 163 લાગુ કરી દેવામાં આવી છે. લોકોના એકઠા થવા પર પ્રતિબંધ છે અને લોકોના ભેગા થવા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


બદરીકોપ્પલુ ગામના યુવાનો ગણેશ વિસર્જન માટે શોભાયાત્રા કાઢી રહ્યા હતા. જ્યારે નગમંગલાના મુખ્ય માર્ગ પર સ્થિત એક મસ્જિદ નજીકથી શોભાયાત્રા પસાર થઇ રહી હતી ત્યારે કથિત રીતે તેના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.


આ ઘટનાને કારણે સ્થિતિ વણસી હતી અને બે સમુદાયો વચ્ચે અથડામણ શરૂૂ થઈ હતી. તોફાનીઓએ દુકાનોમાં તોડફોડ કરી અને બે વાહનોને આગ ચાંપી દીધી. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ હિન્દુ સમુદાયના રોષે ભરાયેલા લોકોએ પોલીસ સ્ટેશન પર પ્રદર્શન કર્યું અને ઘટના માટે જવાબદાર લોકોની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી હતી.


કેન્દ્રીય મંત્રી એચડી કુમારસ્વામીએ મંડ્યા જિલ્લાના નાગમંગલામાં ગણેશ વિસર્જન દરમિયાન થયેલા હુમલાની સખત નિંદા કરી છે. એક નિવેદન જાહેર કરીને તેમણે કહ્યું કે નગમંગલામાં ગણેશ વિસર્જન દરમિયાન બનેલી આ ઘટનાની તેઓ સખત નિંદા કરે છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે જે રીતે એક જૂથે ભગવાન ગણપતિની શોભાયાત્રામાં શાંતિપૂર્ણ રીતે ચાલી રહેલા ભક્તોને પથ્થરો અને ચપ્પલ ફેંકીને, પેટ્રોલ બોમ્બ ફોડીને અને તલવારો લહેરાવીને જે રીતે જાણીજોઈને નિશાન બનાવ્યા તે શહેરમાં શાંતિ અને વ્યવસ્થાની નિષ્ફળતાનો પુરાવો છે.


તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે તે સમુદાયના અસામાજિક તત્વો પોલીસ સ્ટેશનની સામે સુરક્ષાની માંગ કરી રહેલા શાંતિપૂર્ણ દેખાવકારોને હેરાન કરે છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ. તેમણે સ્થાનિક પોલીસની નિષ્ફળતા અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.

સુરતમાં પણ પથ્થરમારો થયો હતો
ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જ ગુજરાતના સુરતમાં આવી જ એક ઘટના બની હતી. સુરતમાં ગણેશ પંડાલ પર અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. આ પછી વિસ્તારમાં રોષે ભરાયેલા લોકોની ભીડ એકઠી થઈ ગઈ અને સેંકડો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. લોકોએ કાર્યવાહીની માંગ સાથે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. આ મામલામાં પોલીસે મોડી રાત્રે કાર્યવાહી કરીને 6 લોકોની ધરપકડ કરી હતી અને આ સિવાય અન્ય 27 લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી, જેમણે હિંસા ભડકાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version