જામનગરમાં પ્રથમ વખત જેલમાંથી ચૂંટાયેલા બે ઉમેદવારના કટઆઉટ સાથે વિજય સરઘસ

મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં. 12 આ વખતે ખાસ ચર્ચામાં રહ્યો હતો. અહીં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને બે-બે બેઠકો મળતા ભાજપનું ખાતું ખુલ્યું નહોતું, જે…

મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં. 12 આ વખતે ખાસ ચર્ચામાં રહ્યો હતો. અહીં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને બે-બે બેઠકો મળતા ભાજપનું ખાતું ખુલ્યું નહોતું, જે રાજકીય રીતે જામનગરમાં મહત્વપૂર્ણ પરિણામ માનવામાં આવી રહ્યું છે.

આ વોર્ડમાં ખાસ વાત એ રહી કે કોંગ્રેસના વિજેતા ઉમેદવાર અલ્તાફ ખફી હાલ જેલમાં હોવા છતાં જીત નોંધાવી છે. જેના કારણે તેમના સમર્થકો દ્વારા અનોખી રીતે વિજય સરઘસ યોજવામાં આવ્યું હતું. વિજય સરઘસ દરમિયાન અલ્તાફ ખફી જાતે હાજર રહી શક્યા ન હોવાથી તેમના ફોટો ફ્રેમ કટાઉટ ને સરઘસમાં રાખવામાં આવ્યો હતો. તેમની સાથે વિજેતા મહિલા ઉમેદવાર સહારાબેન મકવાણા ઉપસ્થિત રહ્યા હતા અને બંનેના સમર્થકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ઢોલ-નગારા સાથે સમગ્ર વિસ્તારમાં સરઘસ ફરી વળ્યું હતું. પરિવારજનો અને કાર્યકરો દ્વારા ફટાકડાં ફોડીને અને શુભેચ્છાઓ પાઠવીને જીતની ઉજવણી કરવામાં આવી હતી.

આજ વોર્ડમાં બીજા આમ આદમી પાર્ટીના ઉમેદવાર અસલમ ખીલજી કે જે પણ હાલ જેલવાસ ભોગવી રહ્યા છે પણ અસલમ ખીલજીનો માત્ર ફોટો ફ્રેમ સાથે ટકાવ્યો હતો અને તેના સમર્થકો સાથેનો વિજય સરઘસ નીકળ્યું હતું. જામનગર શહેરમાં આ પ્રકારના વિજય સરઘસના દ્રશ્ય કે જેમાં ઉમેદવાર પોતે હોય નહીં, અને તેઓની માત્ર તસવીરો જ હોય, તેવી પ્રથમ વખત ઘટના બની છે.