ફરી એક વાર કચ્છની ધરા ધ્રુજી ઉઠતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. રાપર નજીક આજે વહેલી સવારે સાડા ચાર વાગ્યે ભૂંકપનો જોરદાર આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.6 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી આશરે 22 કિલોમીટર દૂર નોંધાયું હતું.
ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ ગાંધીનગરના જણાવ્યા અનુસાર, આજે સવારે 4:30 વાગ્યે કચ્છના રાપર પંથકમાં 4.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 22 કિલોમીટર દૂર પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમ દિશામાં ગેડી ગામ નજીક જમીનથી માત્ર 9 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. ઓછી ઊંડાઈને કારણે ભૂકંપની અસર રાપર, ભચાઉ, અંજાર અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં વધુ અનુભવાઈ હતી.
મુખ્ય ભૂકંપના આંચકા બાદ પણ ધરા ધ્રુજવાનું ચાલુ રહ્યું હતું. જેના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. અત્યાર સુધીમાં 8થી વધુ નાના-મોટા આફ્ટરશોક નોંધાયા છે.

