સૂર્યવંશીએ 15 બોલમાં IPL ઇતિહાસની ત્રીજી ફાસ્ટેસ્ટ ફિફ્ટી ફટકારી, ધોની વગર ઉતરેલી CSKનું કંગાળ પ્રદર્શન
ચૂસ્ત બોલિંગ બાદ વૈભવ સૂર્યવંશીની તોફાની ફિફ્ટીથી રાજસ્થાન રોયલ્સે ચેન્નઈ સુપર કિંગ્સને 8 વિકેટથી હાર આપી રાજસ્થાનની ટીમે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2026માં પોતાની જીતથી શરૂૂઆત કરી. ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રાજસ્થાનના કપ્તાન રિયાન પરાગે ટોસ જીતી સીએસકેને પહેલા બેટિંગ માટે બોલાવી હતી. પહેલી બેટિંગ કરતા સીએસકે 127 રનના સ્કોરમાં સમેટાઈ ગઈ હતી. તેના જવાબમાં રાજસ્થાનની ટીમે 12.1 ઓવરમાં જ 128 રન બનાવી મેચને પોતાના નામે કરી લીધી હતી.
સીએકે વિરુદ્ધ ઈનિંગ્સની શરૂૂઆત કરવા ઉતરેલા વૈભવ સૂર્યવંશીએ ખાલી 15 બોલમાં આઈપીએલ ઈતિહાસની ત્રીજી ફાસ્ટેસ્ટ ફિફ્ટી ફટકારી દીધી. જો કે વૈભવને પહેલી જ ઓવરમાં જીવનદાન પણ મળ્યું હતું જ્યારે મેટ હેનરીના બોલ પર કાર્તિક શર્માએ તેનો કેચ છોડી દીધો. આ જીવનદાનનો ફાયદો ઉઠાવતા વૈભવે ધુરંધર અંદાજમાં બેટિંગ કરતા સીએસકેના બોલર્સના ગાભા કાઢી નાખ્યા. વૈભવ સૂર્યવંશી 17 બોલમાં 52 રન બનાવીને આઉટ થયો. જેમાં 5 છગ્ગા અને 4 ચોગ્ગા સામેલ છે. આ દરમિયાન તેણે પોતાની સીનિયર ખેલાડી યશસ્વી જાયસ્વાલનો ખૂબ સારો સાથ આપ્યો.
વૈભવ સૂર્યવંશીએ રાજસ્થાન માટે અડધી સદીની સાથે સાથે રાજસ્થાન માટે યશસ્વી જાયસ્વાલ સાથે મળીને 75 રનની પાર્ટનરશિપ કરી. આ પાર્ટનરશિપમાં યશસ્વીએ ખાલી 18 રનનું યોગદાન આપ્યું. આ બંનેની ભાગીદારીએ પાવરપ્લેમાં જ રાજસ્થાનની જીત નક્કી કરી દીધી. રાજસ્થાન માટે યશસ્વી જાયસ્વાલે 36 બોલમાં 38 રનની ઈનિંગ્સ રમી. પોતાની આ ઇનિંગ્સમાં તેણે 3 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો. આ ઉપરાંત ત્રીજા નંબર પર બેટિંગ કરવા ઉતરેલા ધ્રુવ ઝુરેલે પણ 9 બોલમાં 18 રનનું યોગદાન આપ્યું. વળી કપ્તાન રિયાન પરાગે પણ 11 બોલમાં 14 રનની ઈનિંગ્સ રમી.
રાજસ્થાન વિરુદ્ધ મેચમાં સીએસકેની બેટિંગમાં શરૂૂઆત ખૂબ જ નિરાશાજનક રહી. સંજૂ સેમસનની વિકેટ બાદ કપ્તાન ઋતુરાજ ગાયકવાડ પણ કંઈ ખાસ કમાલ કરી શક્યો નહીં. ગાયકવાડને જોફ્રા આર્ચરે પોતાની બોલથી બોલ્ડ કર્યો. ઋતુરાજ ગાયકવાડ 11 બોલમાં ખાલી 6 રન બનાવી શક્યો. સીએસકેની હાલત ત્યારે વધારે ખરાબ થઈ ગઈ, જ્યારે ત્રીજા નંબર પર બેટિંગ કરવા ઉતરેલા આયુષ મ્હાત્રે ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો.
ત્યાર બાદ સીએસકે માટે મેથ્યૂ શોર્ટ અને સરફરાઝ ખાને મોર્ચો સંભાળ્યો. બંનેએ મળીને જેમ તેમ કરીને ટીમનો સ્કોર 30 રનને પાર પહોંચાડી દીધો. પણ સંદીપ શર્માએ પોતાના ધીમા બોલ પર શોર્ટને ફસાવ્યો. મેથ્યૂ શોર્ટ 7 બોલ રમ્યો, જેમાં તે ખાલી 2 રન બનાવી શક્યો. યશસ્વી જાયસ્વાલે મેથ્યૂ શોર્ટનો એક સરળ કેચ પકડી લીધો. આવી રીતે સીએસકેએ પાવર પ્લેમાં જ પોતાની ચાર વિકેટ ખોઈ દીધી.
‘આટલી બધી ભૂલો સાથે શરૂઆત કરવી સારી…’
ચેન્નાઈના કેપ્ટને આ હારનો દોષ તેના બેટ્સમેનોને આપ્યો “હું હારથી બહુ દુ:ખી નથી. શરૂૂઆતમાં મને લાગ્યું કે પરિસ્થિતિ ખરેખર મુશ્કેલ હતી, ખાસ કરીને જોફ્રા આર્ચર અને બર્ગરનો સામનો કરતી વખતે. રાજસ્થાન રોયલ્સના બોલરોએ ખૂબ સારી લેન્થ પર બોલિંગ કરી. આ સિવાય ઋતુરાજ ગાયકવાડે કહ્યું કે તમે સ્પિનરોને પણ થોડી મદદ મળી રહી જોઈ શકો છો. હા, અમે બેટથી વધુ સારું પ્રદર્શન કરી શક્યા હોત, અમે રમતને આગળ લઈ જઈ શક્યા હોત. અમે થોડી સારી બેટિંગ કરી શક્યા હોત, કદાચ સ્કોર 150-160 સુધી લઈ જઈ શક્યા હોત. પરંતુ આજકાલ, તમે ક્યારેય જાણતા નથી કે સારો સ્કોર શું છે, તેથી તમારે ફક્ત રમવાનું ચાલુ રાખવું પડશે.” ઋતુરાજ ગાયકવાડે વધુમાં કહ્યું કે પહેલી મેચ ઘણી બધી ભૂલો સાથે શરૂૂ કરવી સારી વાત છે. આશા છે કે અહીંથી પરિસ્થિતિ સુધરશે. હું એવો વ્યક્તિ નથી જે હંમેશા મોટા સ્કોર કરવામાં માને છે. પરંતુ ઈમ્પેક્ટ પ્લેયર નિયમ સાથે, તમને ક્યારેય ખબર નથી હોતી કે સારો સ્કોર શું છે અથવા એવરેજ સ્કોર શું છે. તેથી તમે ઘણીવાર એવી મેચો જોતા નથી જે 20મી ઓવરમાં જાય છે, ખાસ કરીને જ્યારે તમે 150, 160, અથવા 170 નો બચાવ કરી રહ્યા હોવ.

