Site icon Gujarat Mirror

AIFFના પ્રમુખ પર મહિલાઓની હેરાનગતિનો ગંભીર આક્ષેપ

 

ભારતીય ફૂટબોલ જગત અત્યારે મેદાન પરના પ્રદર્શનને કારણે નહીં, પરંતુ વહીવટી ગેરરીતિઓ અને ગંભીર આક્ષેપોને કારણે ચર્ચામાં છે. ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) ના પ્રમુખ કલ્યાણ ચૌબે વિરુદ્ધ મહિલા સમિતિના અધ્યક્ષ વાલંકા આલેમાઓએ હેરાનગતિ અને અભદ્ર વર્તનના ગંભીર આરોપો લગાવતા ખળભળાટ મચી ગયો છે.નવી દિલ્હીમાં યોજાયેલી AIFF ની એક્ઝિક્યુટિવ કમિટીની બેઠક દરમિયાન આ વિવાદ વકર્યો હતો. વાલંકા આલેમાઓ, જેઓ ગોવાના વરિષ્ઠ રાજકારણી ચર્ચિલ આલેમાઓની પુત્રી છે અને ભારતીય ફૂટબોલના સક્રિય કાર્યકર છે, તેમણે કલ્યાણ ચૌબે પર સત્તાના દુરુપયોગ અને અપમાનજનક વ્યવહારનો આરોપ મૂક્યો છે.

વાલંકાએ એક સત્તાવાર પત્ર દ્વારા ફરિયાદ કરી છે કે બેઠક દરમિયાન જ્યારે તેમણે મહિલા ફૂટબોલના વિકાસ અને બજેટ અંગે પ્રશ્નો ઉઠાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમને ચૂપ કરી દેવામાં આવ્યા હતા. તેમના મતે, આ માત્ર કામકાજની બાબત નહોતી પરંતુ સ્ત્રી હોવાના નાતે તેમનું અપમાન કરવામાં આવ્યું હતું. આ ગંભીર આક્ષેપો સામે આવતા જ AIFF પ્રમુખ કલ્યાણ ચૌબેએ મૌન તોડ્યું છે. તેમણે આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. ચૌબેનું કહેવું છે કે બેઠકમાં તમામ ચર્ચાઓ લોકશાહી ઢબે અને ફૂટબોલના બંધારણ મુજબ જ થઈ હતી. કોઈપણ વ્યક્તિગત હેરાનગતિના આરોપમાં કોઈ તથ્ય નથી. સંસ્થાના કેટલાક સભ્યો માત્ર રાજકીય દ્વેષના કારણે સંસ્થાની છબી ખરડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Exit mobile version