Site icon Gujarat Mirror

વેરો ન ભરતા વડોદરા મનપા દ્વારા મકરપુરા એસ.ટી.બસ સ્ટેન્ડ સીલ કરાયું

1.09 કરોડની વર્ષો જૂની ઉઘરાણી સામે આક્રમક કાર્યવાહી

વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ST ડેપો પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે. લાંબા સમયથી બાકી રહેલા મિલકત વેરાની વસૂલાત માટે પાલિકાની વેરા શાખાએ આજે સવારથી જ આક્રમક કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાએ સરકારી વિભાગો વચ્ચેના આંતરિક સંકલન અને નિયમોના પાલન અંગે અનેક ગંભીર સવાલો ઊભા કર્યા છે.

મકરપુરા ST ડેપો પર પાલિકાનો અંદાજે 1.09 કરોડ રૂૂપિયા જેટલો મિલકત વેરો છેલ્લા ઘણા સમયથી બાકી બોલે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ રકમની વસૂલાત માટે ડેપો મેનેજર અને સબંધિત વિભાગને અવારનવાર લેખિત નોટિસો પાઠવવામાં આવી હતી. છતાં પણ તંત્ર દ્વારા કોઈ નક્કર પ્રત્યુત્તર કે વેરાની આંશિક ચુકવણી પણ કરવામાં આવી નહોતી. અંતે વેરા વસૂલાતની ટીમોએ સ્થળ પર પહોંચીને ડેપોના મુખ્ય વહીવટી વિભાગો જેવા કે ટિકિટ વિન્ડો, સીસીટીવી રૂૂમ અને સ્ટેશન માસ્ટર તેમજ અન્ય અધિકારીઓની ચેમ્બરને સીલ મારી દીધા હતા.

મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી આ સીલિંગની કાર્યવાહી દરમિયાન સામાન્ય જનતા અને મુસાફરોને કોઈ હાલાકી ન ભોગવવી પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ડેપોની અંદર બસની અવરજવર માટેના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ ચાલુ રાખવામાં આવ્યા છે. મુસાફરો માટે બસમાં બેસવાની અને ઉતરવાની પ્રક્રિયા રાબેતા મુજબ જ રહેશે, જેથી દૈનિક મુસાફરી કરતા હજારો નોકરિયાતો અને વિદ્યાર્થીઓ અટવાય નહીં. જોકે, ટિકિટ બારી સીલ હોવાથી મુસાફરોએ ઓનલાઇન અથવા બસની અંદર કંડક્ટર પાસેથી ટિકિટ લેવાની ફરજ પડી શકે છે.

Exit mobile version