સ્મૃતિ ઇરાની લાપતા, ગેસના ભાવવધારા સામે કોંગ્રેસનો વિરોધ

મહિલાઓએ શાકભાજીનો હાર પહેર્યો, કાર્યકરોએ બાટલા ઉપાડ્યા ગેસના સિલિન્ડરના ભાવમાં વધારો થતા રાજકોટમાં મહિલા કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. શહેરના હરીધવા રોડ ઉપર…

મહિલાઓએ શાકભાજીનો હાર પહેર્યો, કાર્યકરોએ બાટલા ઉપાડ્યા

ગેસના સિલિન્ડરના ભાવમાં વધારો થતા રાજકોટમાં મહિલા કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. શહેરના હરીધવા રોડ ઉપર પટેલ ચોક પાસે મહિલાઓ ભાજપના પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનું પોસ્ટર લઈને પહોંચ્યા હતા અને તેમાં લાપતા લેડીઝ લખ્યુ હતુ. કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર વખતે મોંઘવારીમાં થોડો પણ વધારો થાય તો ભાજપના આ મહિલા આગેવાન રસ્તા પર ઉતરી ઉગ્ર વિરોધ કરતા હતા પરંતું હવે તે મંત્રી ભારત છોડી અન્ય દેશમાં ચાલ્યા ગયા હોય તેવું લાગે છે. આ ઉપરાંત વધતી મોંઘવારીને દર્શાવવા મહિલાઓએ શાકભાજીનો હાર પહેર્યો હતો. આ ઉપરાંત ગેસના બાટલાના ભાવમાં વધારો થતા હવે મહિલાઓ ચૂલા પર રસોઈ કરવા મજબૂર બન્યા હોવાનો સંદેશો આપવા જાહેરમાં ચૂલો સળગાવી ભાજપ હાય હાયના નારા લગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ.

રાજકોટ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ મનીષાબા વાળાએ જણાવ્યું હતું કે, અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા ઈરાન સામે યુધ્ધ ચાલી રહ્યુ છે ત્યારે તેનો માર ભારત દેશે ભોગવવો પડી રહયો છે. ગેસ સિલિન્ડરના ભાવમાં રૂૂ.60 નો વધારો થયો છે. પહેલા જે ગેસનો બાટલો રૂૂ.858 માં મળતો હતો તેના હવે રૂૂ.918 થઈ ગયા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, કોંગ્રેસની સરકાર જ્યારે હતી ત્યારે કે ગેસ સિલિન્ડરનો ભાવ રૂૂ.360 હતો અને ત્યારે જો ભાવ વધારો થતો તો સ્મૃતિ ઈરાની ખૂલીને વિરોધ કરતા હતા તો આજે તેઓ ક્યાં છે? ભૂગર્ભમાં ઉતરી ગયા છે? , ભારત દેશ છોડીને બીજા દેશમાં ચાલ્યા ગયા છે ? તે પણ ભાજપ સરકાર અને મોદીને પ્રશ્ન કરવા માંગીએ છીએ. સ્મૃતિ ઈરાની લાપતા લેડીઝ હોવાના પોસ્ટર બતાવી અમે વિરોધ પ્રદર્શન કર્યું છે.