વેપારીઓને છખઈએ આપી કડક ચેતવણી, નિયમનો ભંગ કરનારા સામે પેઢી સીલ કરવા સુધીના લેવાશે પગલાં
રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરના નાગરિકોના જન આરોગ્યની જાળવણી માટે છેલ્લા કેટલાક સમયથી સક્રિય જરૂૂર બની છે પરંતુ ખાદ્યપદાર્થોના કેટલાક ધંધાર્થીઓ છટકબારીઓ શોધીને નિયમોનો ભંગ કરતા હોવાના કિસ્સાઓ પણ સામે આવતા રહે છે.
ખાસ કરીને લુઝ (છૂટક) મીઠાઈ, ફરસાણ-નમકીન અને ડેરી પ્રોડક્ટ્સ જેવી દૈનિક વપરાશની વસ્તુઓમાં મેન્યુફેક્ચરિંગ ડેટ (બનાવટની તારીખ) કે એક્સપાયરી ડેટ (વપરાશની અંતિમ તારીખ)નો કોઈ ઉલ્લેખ કરવામાં આવતો નથી. નિયમ અનુસાર છૂટક કે કોથળીમાં પેકિંગ કરીને વેચાતી આવી તમામ ખાદ્યસામગ્રીને પણ ગુણવત્તા અને તારીખ દર્શાવવાના નિયમો લાગુ પડે જ છે. અત્યાર સુધી તંત્ર દ્વારા આ બાબતે થોડી ઉદાસીનતા દાખવવામાં આવી હોવાનું જણાઈ રહ્યું હતું, પરંતુ હવે “જાગ્યા ત્યારથી સવાર” ની નીતિ અપનાવીને રાજકોટ મનપાએ આ અંગે અત્યંત કડક વલણ અપનાવવાનો સ્પષ્ટ નિર્ધાર કર્યો છે.
તાજેતરમાં યોજાયેલી મનપાની જનરલ બોર્ડની બેઠકમાં વોર્ડ નંબર 17ના જાગૃત નગરસેવક કૌશિકભાઈ ટાંક દ્વારા છૂટકમાં વેચાતી ખાદ્ય વસ્તુઓ માટેના કાયદાકીય નિયમો અંગે વિગતો માંગવામાં આવી હતી. આ પ્રશ્નના ઉત્તરમાં મનપાના આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ સત્તાવાર સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, લુઝ મીઠાઈ, ફરસાણ, નમકીન અને ડેરી પ્રોડક્ટ્સ જેવી તમામ ખાદ્યસામગ્રી પર ’યુઝડ બાય ડેટ’નું લેબલ લગાડવું કાયદાકીય રીતે ફરજિયાત છે.
તંત્ર દ્વારા હવે આ દિશામાં સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. જે વેપારીઓ કે ધંધાર્થીઓ છૂટક અથવા કોથળીમાં પેકિંગ કરીને ખાદ્યપદાર્થોનું વેચાણ કરતા હશે અને તેના પર ’યુઝડ બાય ડેટ’ દર્શાવેલી નહીં હોય, તેમની સામે કાયદાકીય પગલાં લેવામાં આવશે. જો કોઈ ધંધાર્થી ત્રણથી વધુ વખત આ પ્રકારના નિયમભંગમાં પકડાશે, તો કાયદાની કડક જોગવાઈઓ હેઠળ તેમની પેઢી/દુકાનને સીલ કરવા સુધીના આકરા પગલાં લેવાશે. તેમ આરોગ્ય અધિકારી ડો.જયેશ વાંકાણીએ જણાવ્યુ હતુ.
દિવાળી તહેવારને ધ્યાનમાં રાખી ઝોનવાઇઝ-સિફટવાઇઝ બનાવાઇ ખાસ ચેકીંગ ટુકડી
દીવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને મનપાની ફૂડ શાખાએ અત્યારથી જ સઘન ચેકીંગનો એકશન પ્લાન બનાવ્યો છે. મીઠાઇ, ફરસાણ, ડ્રાયફ્રુટ તેમજ નાસ્ત માટેના અન્ય રો-મીટીરીયલનું વેંચાણ કરતા હોલસેલર અને છુટક વેપારીઓને ત્યા ચેકીંગ ઉપરાંત સ્થળ પર જ લેબોરેટરી ટેસ્ટ થઇ શકે તે માટે કાર્યરત મોબાઇલ વાનને સવારથી રાત સુધી ચેકીંગ માટે દોડતા રાખવા માટે ખાસ આયોજન કરવામા આવ્યુ છે.
