ગુજરાત

જૂનાગઢના નવા બાયપાસ પાસે બેકાબૂ કાર ડેમમાં ખાબકી: ચાલકનું મોત

Published

on

મૃતક યુવાન આયુર્વેદિક દવાના ધંધા સાથે સંકળાયેલો હતો

જૂનાગઢ શહેરના મારૃતિનગર, ખામધ્રોળ પર રહેતા ઈશ્વરદાસ વિષ્ણુદાસ નિમાવત(ઉ.વ.3પ) તેમની કાર લઈ બપોરના સમયે નવા બાયપાસ રોડ પરથી વંથલી તરફ જતા હતા. તેવામાં વધાવી નજીક અચાનક જ તેમણે કાર પરથી કાબુ ગુમાવતા ગાડી બેકાબુ બની ગઈ હતી.

વધાવી નજીક હાઈવે પરથી ગાડી બેકાબુ થઈ હાઈવેની નીચે આવેલા હરીયાવન ડેમમાં ઘુસી ગઈ હતી. હરીયાવન ડેમમાં ઉપરના ભાગે પાણી અને નીચે કાદવ હોવાથી ગાડી કાદવમાં ખુંચી ગઈ હતી. આ અંગે રસ્તા પર પસાર થતા રાહદારીઓ તથા નજીકમાં આવેલ હોટલના સંચાલકો અને સ્થાનિકોએ ઘટનાને નજરે જોયા બાદ તુરંત જ પોલીસ, 108ને જાણ કરી હતી. બાદમાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી તપાસ કરી હતી. પરંતુ ગાડી કાદવમાં ખુંચી ગઈ હોવાથી તેને બહાર કાઢવી મુશ્કેલ હતી.


આ અંગે પોલીસે તુરંત જ મનપાની ફાયર ટીમને જાણ કરતા તે પણ ઘટના સ્થળે દોડી આવી તપાસ કરી હતી. બાદમાં ગાડીને બહાર કાઢવા માટે ક્રેઈન બોલાવવામાં આવી હતી. ક્રેઈનની મદદ વડે ગાડીને બહાર કાઢવામાં આવી હતી.


ગાડીને બહાર કાઢી ત્યારે તેમાંથી ઈશ્વરદાસ નિમાવત નામના યુવાનની લાશ મળી હતી. પોલીસે મૃતક યુવાનને પીએમ અર્થે હોસ્પિટલે ખસેડયો હતો. જ્યારે અકસ્માત થયો ત્યારે ગાડીમાં કેટલા લોકો સવાર હતા તે અંગેની કોઈપણ જાણ હતી નહી. ગાડી બહાર નીકળ્યા બાદ જ તેમાં એક જ વ્યક્તિ સવાર હોવાનું સામે આવ્યું છે. ગાડી બહાર નીકળી ગયા બાદ પણ અન્ય કોઈ વ્યક્તિ કારમાંથી નીકળી ડેમમાં ડુબી ગયું છે કે કેમ ? તે અંગેની પણ ફાયર અને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી.

પરંતુ અન્ય કોઈ વ્યક્તિ નહી હોવાનું સામે આવ્યું હતું.આ સમગ્ર મામલે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, કાર પાણીમાં ડુબી ગઈ ત્યારે કારમાં કેટલા લોકો હતા તેને લઈ મોટી ચિંતા હતી. કારમાંથી બહાર નીકળવા માટે યુવકે અનેક પ્રયાસો પણ કર્યા હતા પરંતુ આખી કાર પાણીમાં ડુબી ગયેલી હાલતમાં હોવાથી તેમાંથી બહાર નીકળવું અશક્ય બની ગયું હતું. જેના લીધે કાર ચાલકે પાણીમાં જ જીવ ગુમાવવો પડયો છે.

પોલીસે પ્રાથમિક તપાસ દરમ્યાન જણાવ્યું હતું કે, મૃતક ઈશ્વરદાસ નિમાવત આર્યુવેદિક દવાના ધંધા સાથે સંકળાયેલા છે અને તેમને પરિવારમાં એક પુત્ર, પત્ની અને તેમની માતા સાથે મારૃતીનગરમાં રહે છે. ઈશ્વરદાસ શા કામ માટે વંથલી તરફ જઈ રહ્યા હતા તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે કારને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવતી હતી ત્યારે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.મૃતક આયુર્વેદિક દવાના ધંધા સાથે સંકળાયેલો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version